________________
પંચસૂત્ર
૧૫૬
ધર્મબીજો
સ્પરિશિષ્ટ-૧
ધર્મબીજો (પંચસૂત્રના પહેલા સૂત્રમાં પ્રારંભમાં જ ગુણબીજાધાનનું (=ધર્મબીજોની વાવણીનું) વર્ણન છે. તથા સંસારનાશના ઉપાયના વર્ણનમાં “કાલાદિના ભેદથી ધર્મબીજોની પ્રાપ્તિ થાય છે.” એમ જણાવ્યું છે. આથી અહીં યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે ધર્મબીજો જણાવવામાં આવે છે.)
જિનો વિષે સંશુદ્ધ કુશલચિત્ત, જિનોને સંશુદ્ધ નમસ્કાર અને જિનોને સંશુદ્ધ પ્રણામાદિ સર્વશ્રેષ્ઠ યોગબીજ (=ધર્મબીજ) છે.
૧. જિનો વિષે સંશુદ્ધ કુશલચિત્ત- જિનો વિષે કુશલચિત્ત એટલે જિનો વિષે દ્વેષ આદિનો અભાવ થવાથી ચિત્તને જિનો વિષે પ્રીતિવાળું કરવું. અર્થાત્ જિનોને પ્રીતિથી ચિત્તમાં ધારણ કરવા, એ જિનો વિષે કુશલ ચિત્ત છે. આનાથી મનોયોગની વૃત્તિ કહી. અર્થાત્ યોગબીજને ગ્રહણ કરનાર જીવની જિનો વિષે માનસિક વૃત્તિ કેવી હોય તે જણાવ્યું. જિનોને પ્રીતિથી ચિત્તમાં ધારણ કરવા એ સર્વશ્રેષ્ઠ યોગબીજ છે. જિનો ઉપર દ્વેષ આદિનો અભાવ થાય તો જ ચિત્ત જિનો ઉપર પ્રીતિવાળું બને. માટે અહીં “જિનો વિષે દ્વેષ આદિનો અભાવ થવાથી” એમ કહ્યું. અનાદિકાળથી મોહથી મૂઢ બનેલા જીવોને જિનો ઉપર દ્વેષ છે. કારણ કે જિન એટલે રાગાદિ જીતનારા. જીવોને રાગાદિ ઉપર પ્રેમ છે=રાગાદિ ગમે છે, આથી રાગાદિ જીતનારા ન ગમે એ સ્વાભાવિક છે. રાગાદિ ઉપર અણગમો થાય તો જ રાગાદિને જીતનારા ઉપર દ્વેષનો અભાવ થાય અને પ્રેમ પ્રગટે. આથી જિનો વિષે કુશલચિત્ત થયું એનો અર્થ એ થયો કે એને રાગાદિ ઉપર અણગમો થયો. જીવ ભલે પોતે આ વાતને વ્યક્તરૂપે ન સમજતો હોય, પણ જિનો વિષે કુશલચિત્ત થવાથી એના મનમાં રાગાદિ ઉપર ઝાંખો પણ અણગમો થયો છે. રાગાદિ ઉપર જોરદાર પ્રેમ અને જિનો ઉપર પ્રેમ એ તો પાણી-અગ્નિની જેમ તદ્દન વિરોધી છે.
૨. જિનોને નમસ્કાર- તેવા પ્રકારના માનસિક પ્રેમથી નમસ્કાર કરવો એ સર્વશ્રેષ્ઠ યોગબીજ છે. આનાથી વચનયોગની વૃત્તિ કહી, અર્થાત્ યોગબીજને ગ્રહણ કરનાર જીવની જિન વિષે વાચિક વૃત્તિ કેવી હોય તે જણાવ્યું. અહીં માનસિક પ્રેમપૂર્વક “હે ભગવંત ! આપને નમસ્કાર થાઓ” ઇત્યાદિ રીતે બોલીને