________________
સિંધુમાંથી બિંદુ .
– આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ વીરપ્રભુએ ગણધરભગવંતોને ત્રિપદી આપી. તેના પરથી તેમણે અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી. આ દ્વાદશાંગી ખૂબ વિશાળ અને અગાધ હતી. તેને સમજવા તીવ્ર મેધાની જરૂર પડતી. બારમા અંગમાં ચૌદ પૂર્વોનો સમાવેશ હતો. કાળક્રમે બારમા અંગનો વિચ્છેદ થયો. બાકી રહેલા અગિયાર અંગોને સમજવા પણ પ્રજ્ઞા પ્રતિભા જરૂરી છે. બીજી બાજુ, આ ભરતક્ષેત્રમાં હાલ અવસર્પિણી કાળ છે અને તેમાં પણ પાંચમો આરો છે. તેથી બળ, બુદ્ધિ વગેરે બધુ દિવસે દિવસે ઘટતુ જાય છે. તેથી કેટલાક મંદબુદ્ધિવાળા અને સંક્ષેપરુચિવાળા જીવો વિશાળ અને અગાધ દ્વાદશાંગીને સમજવા અસમર્થ છે. આવા જીવો પ્રભુશાસનના તત્ત્વામૃતથી વંચિત ન રહી જાય એટલા માટે પ્રભુની પરંપરામાં થયેલા અનેક મહાપુરુષોએ અનેક પ્રકરણગ્રંથો રચ્યા. આ ગ્રંથોમાં દ્વાદશાંગીના પદાર્થો સરળશૈલીમાં સમજાવાયા છે. આ ગ્રંથોના અભ્યાસ દ્વારા મંદબુદ્ધિવાળા અને સંક્ષેપરુચિવાળા સામાન્ય જીવો પણ તે પદાર્થોને સહેલાઈથી અને ઝડપથી સમજી શકે છે. આવા જ ચાર ગ્રંથોના પદાર્થો અને મૂળગાથા-અવચૂરિનું સંકલન પદાર્થપ્રકાશ ભાગ-૧૪ નામના આ પુસ્તકમાં કર્યું છે.