________________
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન
કોકિલા શાહ
|ડી. કોકિલાબહેન મુંબઈ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને કે. જે. સોમૈયા જૈન સેંટર - મુંબઈમાં માનદ્ અધ્યાપક તરીકે કાર્યરત હોવાના નાતે વિશદ અભ્યાસ ધરાવે છે. અધ્યાપનકાર્યની સાથેસાથે અવારનવાર સંશોધનલેખો લખવામાં તેઓ કાર્યરત છે. – સં.
'महा दिव्याकुक्षिरत्नं शब्द जितवरात्मजम्। राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम्।' અહા! જ્ઞાની વાણી, પ્રશમરસ શબ્દ નીતરતી, પ્રકર્ષ બોધે છે, નહિ ગુણગુણો સંખ્ય ગણતી; પ્રતિભા રંગે જે, બુદ્ધ હૃદયના તાર સ્પર્શે,
નમું વંદુ તેને, કર ઉભયથી ચિત્ત ઉલ્લસે.'
ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં થઈ ગયેલા ગુજરાતીઓમાંના એક જૈન સાહિત્યકાર તે શ્રીમદ્ રાજચંદ્ર – રાયચંદભાઈ રવજીભાઈ મહેતા. દુષમકાળના યુગપુરુષ જ્ઞાનાવતાર “સાક્ષાત સરસ્વતી – શ્રીમદ્ રાજચંદ્ર ઓગણીસમી શતાબ્દીની એક અસાધારણ વિભૂતિ હતા. જૈન સાહિત્ય ક્ષેત્રમાં તેમનું અપૂર્વ યોગદાન છે. તેમના જીવનચરિત્ર વિશેનું લખાણ સુલભ છે; પરંતુ સાહિત્ય વિશે મૂલ્યાંકનની દષ્ટિએ ઘણું ઓછું લખાયું છે. આ નિબંધમાં તેમના સમગ્ર સાહિત્ય-ગદ્ય અને પદ્યનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું પરમ કલ્યાણમય જગહિતકારી સાહિત્ય માર્મિક છે–અજોડ છે. તેમની આત્મિક અત્યંતર અવસ્થાનો નિચોડ તેમનાં લખાણોમાં મૂર્તિ સ્વરૂપ પામે છે. તેમની સાહિત્યિક કૃતિઓ જોતાં તેઓ અર્વાચીનયુગના ગુજરાતી સાક્ષરોમાં મહત્ત્વનું સ્થાન ધરાવવાને યોગ્ય છે. તેમની કૃતિઓમાં કાવ્યો, પત્રો, ચિંતનલેખો, ભાષાંતર વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમણે સ્ત્રી, સમાજ શિક્ષણ, શૌર્ય જેવા વિવિધ વિષયો પર પણ લખ્યું છે. બધા જ સાહિત્યના પ્રકારોમાં જૈન તત્ત્વને પ્રકાશવાનો જ પ્રયત્ન છે. આધુનિકયુગના મહાન સંત અને દર્શનિક શ્રીમદ્ રાજચંદ્રનું મુખ્ય લક્ષ આત્મચિંતન અને આત્મદર્શન હોવાથી તેમનાં લખાણોમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિષય જ પ્રધાનપણે છે.
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૪૯