________________
શ્રી ચિદાનંદજીની રચનાઓ – સર્વસંગ્રહ
બહોતી, સવૈયાઓ, અધ્યાત્મબાવની, દયા છત્રીસી, પ૨માત્મ છત્રીસી, પ્રશ્નોત્તર માળા જેવા હિતશિક્ષાના દુહા વગેરે હ્રદયંગમ, સરળ અને ઉત્કૃષ્ટ સાહિત્યની એમણે રચના કરી છે. એમના વિશાળ સાહિત્ય સમુદ્રનાં અમૃતરસથી ભરેલ કળશમાંથી એકાદ છાંટો પણ મળે તો તે પામવા જેવું છે.
પૂ. ચિદાનંદજી અધ્યાત્મશાસ્ત્રના જ્ઞાતા, યોગશાસ્ત્રમાં પારંગત, તેમ જ ઉત્તમ સાધક હતા. કવિશ્રી પાસે શબ્દોનું પ્રભાવક સામર્થ્ય છે.
બહોતરીના રચિયતા તરીકે બે જ નામ પ્રસિદ્ધિમાં છે આનંદઘનજી અને ચિદાનંદજી.
શ્રી ચિદાનંદજીનું અપરનામ શ્રી કપૂરચંદજી છે. તેઓ અષ્ટાંગયોગના અભ્યાસી હતા તેથી એમનામાં ઉત્તમ યોગબળ હતું. શત્રુંજ્ય અને ગિરનારમાં તો અમુક ગુજ્ઞ કે સ્થાન તેમના પવિત્ર નામથી આજે પણ ઓળખાય છે. તેમનું અંતઃકાળ સમેતશિખરજીમાં થયું હતું. તેઓ નિઃસ્પૃહી હતા તેથી લોકપરિચયથી તેઓ અલગ રહેતા અને પોતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે એમ લોકો ભાગ્યે જ જાણી શકે એવી સાદી રીતે પોતાનું જીવન ગાળતા હતા. કાકતાલીય ન્યાયે જ્યારે એ વાતની કોઈને જાણ થતી ત્યારે પ્રાયઃ પોતે તે સ્થાન ત્યજી દેતા હતા. તેમને અનેક સતુશાસ્ત્રનો પરિચય હતો એ એમની કૃતિઓનું સૂક્ષ્મ અવલોકન કરવાથી સમજાય છે. તેઓની વાણી રસાળ, ભાષા આલંકારિક અને શબ્દરચના સાદી છે. ચિદાનંદજીની કાવ્યરચના રસયુક્ત પ્રેમસભર, ઉપમા, અલંકાર, તર્ક, કલ્પના, સુંદર રાગરાગિણી સર્વ વાતે પરિપૂર્ણ છે. પોતાના પ્રભાવ કે જ્ઞાનનું પ્રદર્શન કરવાનું, દેખાડી, ભપકો કે નામના વધારવાનું કોઈને પણ મન થાય. ખરેખર તો એ સંસારી કહેવાય, પરંતુ ચિદાનંદજી ખરા સંત હતા જે ખ્યાતિ પામવા તત્પર નહોતા.
ચિદાનંદજીની કૃતિઓઃ
બોતી: જેમાં રસપ્રદ અને નાટ્યાત્મક શૈલીનું પ્રયોજન ધ્યાન ખેંચે એવું છે. મોહથી અંધ આત્મા અનંતકાળથી કુમતિના ફંદામાં ફસાયેલો છે અને અત્યંત પાયમાલ સ્થિતિમાં છે. ત્યારે સુમતિને ચેતનની પ્રિયા તરીકે કલ્પી છે એ ચેતનને આ બંધનથી મુક્ત કરવા પ્રિયતમ ચેતનને પ્યારભર્યાં શબ્દોથી, પ્રેમળ વાણીથી કર્તવ્યનું ભાન કરાવે છે અને કુમતિના સંગનું વિકૃત પરિણામ સમજાવે છે. જેમ પથ્થરમાં સોનું, દૂધમાં ઘી, તલમાં તેલ, પુષ્પમાં પરિમલ તેમ શરીરમાં જીવનું સ્થાન છે.
જેમ રાજહંસ દૂધ અને પાણીના મિશ્રણમાંથી દૂધ તત્ત્વને અલગ કરી સત્ત્વની પસંદગી કરે છે તેમ આત્મજ્ઞાન પામ્યા પછી ચેતન કર્મના મળ-મેલને દૂર કરી શુદ્ધ સ્ફટિકમય રૂપ ધારણ કરે છે. કર્તાએ આવી અનેક કલ્પનાઓ અને ભાવ વિભાવનાઓથી કૃતિને રસપ્રદ બનાવી છે.
૩૬ : ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો