________________
સંપાદકીય
ક્યારેક કોઈ કામ આકસ્મિક આવી પડે અને તે કામ બીજાં અનેક કામો શિખવાડી જાય એવું જ કંઈક આ સંપાદનમાં પણ બન્યું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત “જૈન સાહિત્ય સમારોહમાં તેના વિદ્વાન સંયોજક ડો. ધનવંતભાઈએ રતલામ મુકામે એક બેઠકમાં સંચાલનનું કામ મને સોંપ્યું. ફરીવાર મને મોહનખેડા મુકામે એક વિભાગના માર્ગદર્શન અને તે વિભાગની બેઠકના સંચાલનનું કામ સોંપ્યું. પ્રેમાદરપૂર્વક થયેલ તેમના આ આદેશનું પાલન કરવાનો મેં પ્રયત્ન કર્યો અને તેના પરિણામસ્વરૂપે મોહનખેડા તીર્થ મુકામે યોજાયેલ ૨૨મા જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલ મારા વિભાગના શોધનિબંધોને સંપાદિત કરીને પુસ્તકરૂપે ગ્રંથસ્થ કરવાનું આ કામ પણ મારા ભાગે આવ્યું, જેનું પરિણામ છેઆ પુસ્તક. કામ કામને શીખવે એ ન્યાયે આ નવા ક્ષેત્રમાં મારો પ્રવેશ થયો છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થા અને જૈન સાહિત્ય સમારોહ બંને જ્ઞાનના પ્રસાર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. આજથી સો વર્ષ પૂર્વે સ્થપાયેલ
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પાયામાં પણ સરસ્વતી મંદિરો સ્થાપવાની કલ્યાણમય ભાવના રહેલી છે. નવયુગનિર્માતા પ. પૂ. આત્મારામજી મહારાજ સાહેબની એ દીર્ઘદ્રષ્ટિ હતી કે અજ્ઞાન એ સર્વ દુઃખોનું મૂળ છે અને જ્ઞાનનો દીપક આ સર્વ પ્રકારના અંધકારને દૂર કરીને સમાજમાં પ્રકાશ ફેલાવવાનો ઉપાય છે. તેઓની આ દૃષ્ટિને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે પંજાબકેસરી પ. પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી સતત પ્રયત્નશીલ હતા. મુંબઈના તેઓના ચાતુર્માસ દરમિયાન આ પ્રયત્નમાં વેગ આવ્યો અને ઈ. સ. ૧૯૧૪માં ઘાટ ઘડાયા બાદ, ઈ. સ. ૧૯૧૫માં મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની
સ્થાપના થઈ. ઉત્તરોત્તર વિદ્યાલયની નવી-નવી શાખાઓ ખૂલતી ગઈ જેના પરિણામસ્વરૂપ આજે વિદ્યાર્થી ભાઈઓ માટે આઠ અને વિદ્યાર્થિની બહેનો માટે ત્રણ શાખાઓ તથા એક મેનેજમેન્ટ કૉલેજ કાર્યરત છે. ધાર્મિક સંસ્કારો સાથે કેળવણી માટેની રહેવા-જમવાની સગવડ પૂરી પાડતી આ શાખાઓમાં દર વર્ષે લગભગ ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ હાલમાં લાભાન્વિત થાય છે. આ લાંબી યાત્રા દરમિયાન વિદ્યાલયે સમાજને ઉચ્ચ કારકિર્દી ધરાવનાર ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો, સાહિત્યકારો, નાગરિકો વગેરેની મોટી ભેટ ધરી છે, જે જ્ઞાનજ્યોતના પ્રકાશસ્વરૂપ જ છે ને