________________
લખવું સહેલું છે પણ બીજાને લખતા કરવા એ અઘરું છે, અને એથીય વધારે અઘરું બીજાના લખાણને સુવ્યવસ્થિત કરીને, સંપાદિત કરીને પ્રકાશિત કરવું એ છે. પૂજ્યશ્રીમાં આ ધીરજ અને પરોપકારવૃત્તિ હતા. તેથી જીવનના અંત સુધી આ કાર્યમાં રત રહ્યા. પરિણામે આજે શાસ્ત્રીય શૈલીમાં લખતા લેખકોનું એક જૂથ તૈયાર થઈ ચૂક્યું છે. પૂજ્યશ્રીએ પોતાના લખાણમાં સરળતા, સુંદરતા અને નવીનતા આણી. જૈન સાહિત્યને આધુનિક શાસ્ત્રીય પદ્ધતિથી લખવાની પ્રેરણા પૂજ્યશ્રી દ્વારા મળી. અને એવી લેખનપદ્ધતિનો પ્રચાર કરવાનું કાર્ય કલ્યાણ માસિક દ્વારા થયું. જૈન સમાજમાં કલ્યાણ માસિક જુદી ભાત પાડતું હતું. તે સમયે બદલાતા સમાજની નાડ પારખી. સંસ્કારવાંચ્છુ સમાજે પૂજ્યશ્રીના ચરણે બેસીને ધર્મ સાહિત્ય સસ્તા દરે અને સમયસર સમાજમાં પહોંચતું થાય તેની યોજનાઓ ઘડી. તેનાં માર્ગદર્શક અને સહાયક બનીને પૂજ્યશ્રીએ અનોખી શાસન સેવા કરી.
પૂજ્યશ્રીમાં રહેલું ગુરુતત્ત્વ સૌને જણાઈ આવતું હતું. શિષ્ય સમુદાય એમના વાત્સલ્યને પામીને જીવનના અનેક ક્ષેત્રોમાં વિકસિત થયો. જોકે શાસન સિદ્ધાંતની રક્ષાના પ્રસંગે આ પ્રકૃતિમાં ઉગ્રતાનાં પણ દર્શન થતાં. એ દૃષ્ટિએ પૂજ્યશ્રી ભીમ ક્રાન્ત' હતા. ધર્મ રક્ષાના અવસરે તેઓશ્રીની કલમમાં અને જબાનમાં જુસ્સો ધસમસતો. ધર્મયુદ્ધની પળોમાં એ કલમમાંથી વીરરસ રેલાતો. બાલદીક્ષા વિરોધ, સુધારકવાદ, કેસરિયાજી પ્રકરણ, અંતરિક્ષજી પ્રકરણ જેવા પ્રસંગો વખતે તેમનું કલ્યાણ માસિકમાંનું સાહિત્ય તેનો પૂરો ખ્યાલ આપે છે.
સાહિત્યક્ષેત્રે તેઓશ્રીનું બીજું એક પ્રદાન પ્રસ્તાવના લેખન છે. પૂજ્યશ્રીની પ્રસ્તાવનાથી પુરસ્કૃત પુસ્તકોની સંખ્યા નાનીસૂની નથી. પુસ્તકમાં સમાયેલા સાગરને પૂજ્યશ્રી આત્મસાત કરીને પ્રસ્તાવનાની ગાગરમાં ખૂબ જ કુશળતાથી મૂકવા લાગ્યા. પૂજ્યશ્રીની પ્રસ્તાવનાથી વાચક પુસ્તકમાં રહેલા વિષયને પામવા તત્પર બનવા લાગ્યા અને એ રીતે પૂજ્યશ્રી સાહિત્યસર્જક અને વાચક વચ્ચેની મહત્ત્વની કડી બની રહ્યા. એનાથી અનેકોને લખવાની પ્રેરણા મળી. સંયમ-જીવનના આરંભ કાળે પૂજ્યશ્રીએ કવિતાની કેડી પણ ખૂંદી હતી. જુદાજુદા ઉપનામે અનેક ધર્મ કવિતાનું સર્જન કરીને તેઓશ્રીએ અનોખી સાહિત્ય સેવા કરી.
પૂજ્યશ્રીનાં નામમાં જ નહીં પણ કામમાં પણ કનક જેવી નક્કરતા અને સુંદરતા તેમ જ ચંદ્ર જેવી શીતળતાનો સમન્વય હતો. પૂજ્ય આચાર્યશ્રીએ ૨૮ વર્ષની ઉંમરે પ્રવાસી તરીકેની પોતાની જીવનકથા આલેખવાની શરૂઆત કરેલી. પૂજ્યશ્રી લિખિત સાહિત્યના સાગરમાંથી માંડ થોડા પાના ઉપલબ્ધ થયા છે. આ જીવનકથા આગળ વધી હોત તો ચોક્કસ જૈન સાહિત્યમાં એક નવલી ભાત પાડતી કથા અથવા પ્રથાનો પ્રવેશ થાત. વર્ષો પહેલા લખાયેલું આ લખાણ પૂજ્યશ્રીના બાલ્યકાળ વખતનું વાતાવરણ કેવું હતું અને ત્યારના પ્રસિદ્ધ ધાર્મિક કુટુંબમાં કેવી ધર્મભાવના હતી એનું સુંદર દર્શન કરાવવા ઉપરાંત પૂજ્યશ્રીની કલમને
સાહિત્યકાર શ્રી વિજય- કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ + ૨૦૩