________________
પરીક્ષક તેમને મળ્યા અને આપણને એક સાચા સાહિત્યકાર મળ્યા.
જૈનસાહિત્યનાં શીલ, સંસ્કારિતા અને સર્જકતાનાં તેઓ સર્વોત્તમ શિષ્ય હતાં. જીવનનાં સનાતન મંગલોમાંની તેમની શ્રદ્ધા તેમના સાહિત્યમાં દેખાય છે. જેમ કે તેમણે તેમના એક લેખમાં લખ્યું છે કે વિકાસ સાધવો હોય કે મુસીબતોની સામે ટકી રહેવું હોય તો તે એકલે હાથે થઈ શકતું નથી. આ માટે જરૂરી એવા સાથ અને સહાયતા ત્યારે જ મળી શકે જ્યારે માનવસમૂહોએ પોતાની અંદર સહકારની મંગલમય ભાવના પ્રગટાવી હોય.' (વિના સહકાર નહીં ઉદ્ધાર’ – જૈનમાં પ્રગટેલ લેખ) તેમણે ૧૦ વાર્તાસંગ્રહો આપ્યા - અભિષેક, સુવર્ણકંકણ, રાગ અને વિરાગ, પાપરાગ, કલ્યાણમૂર્તિ, હિમગીરીની કન્યા, સમર્પણનો જય, મહાયાત્રા, સત્યવતી અને મંગળમૂર્તિ. આ કથારત્નો તથા ભદ્રેશ્વર તીર્થનો ઇતિહાસ, આણંદજી કલ્યાણજી પેઢીનો ઇતિહાસ ભાગ ૧ અને ૨, નંદનસૂરિ સ્મારકગ્રંથ, અમૃત ધુરંધરસૂરિ સ્મારકગ્રંથ, શત્રુંજય પ્રતિષ્ઠાનો અહેવાલ વગેરે વિપુલ સાહિત્ય આપ્યું. તેમ જ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન મહાજ્ઞાની, સિદ્ધ અને મહામંગલકારી ધર્મપુરુષ ગૌતમ સ્વામીના વાર્તાત્મક ચરિત્રને પોતાનાં જ્ઞાનદર્શન સાથે વણી લઈને ભાવાત્મક પણ સરળ ચરિત્રકથા આપી. જેમાં ગૌતમસ્વામી વિશે લખે છે કે “ભવ્ય અને ભદ્ર એની પ્રકૃતિ હતી. કષાયો અને ક્લેશો, કર્મો અને દોષોને દૂર કરવાની તેમની વૃત્તિ હતી અને નીતરેલા નીર જેવી નિર્મળ અને ઉપકારક એમની વૃત્તિ હતી.” આ ત્રણ વાક્યોમાં જ ગૌતમ સ્વામીનું ચરિત્ર પ્રગટ થાય છે.
તેઓશ્રીની કૃતિઓની વિષય પસંદગીમાં વિશાળતા દેખાય છે. પ્રાચીન જૈન ધાર્મિક તેમ જ ઐતિહાસિક ગ્રંથોમાંથી પ્રાપ્ત થતાં સત્યો સાથે સાથે પોતાની નજર સામે જીવાતા, જોવાતા, જગત તથા જીવનમાંથી જીવનનાં સંગીન સત્યો અવલોકી, વિચારી નવલિકામાં મૂર્ત સ્વરૂપે મૂક્યા. ઉપરનાં ઠાઠ અને દમામને દૂર કરી હૃદયનો ભાવ પારખવાનું ને વ્યક્ત કરવાનું કાર્ય એમની કલમે અનુપમ રીતે પાર પાડ્યું. બાહ્ય આડંબરોથી પર, ઊંડાણમાં નજર કરી એમણે માનવહૃદય જોયું, એના ભાવ જોયા, માણસની ભાવના અને કલ્પના જોયા, એને કલાકૃતિમાં સરળ રીતે કંડાર્યા – જેમકે “દિલનો ધર્મ એ વાર્તા સંગ્રહની સુંદર અને સરોજ એ વાર્તામાં વાર્તાનાયક સુંદરના મોંમાં શબ્દો મૂક્યા છે કે, દિવસ આખો દિલ દઈને અને તન તોડીને એવું કામ કરીએ કે રાતે નિદ્રા માતા પ્રસન્ન થઈને પોતાના હેતાળ ખોળામાં આપણને આરામથી સુવાડી દે. એશઆરામ કે વૈભવ વિલાસીને સુખની નિંદ કેવી ? કામ જ જગતની સાચી કામધેનુ છે. કામ કરે તે સહુને પ્યારો લાગે અને સફળતાને મેળવે.’ આમ તેમાં આત્માનુભૂતિનો પ્રબળ રણકાર અને પ્રતિભાની વિશિષ્ટ મુદ્રા જોવા મળે છે. તેમનાં વાર્તાસંગ્રહો જોતા લાગે છે કે ઇતિહાસ, પુરાણ, જાતઅનુભવ,
સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ + ૧૭૧