________________
સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
–
પ્રવીણા શાહ
સાહિત્યરસિક શ્રીમતી પ્રવીણાબહેને પ્રસ્તુત લેખમાં શ્રી રતિભાઈના સાહિત્યની લાક્ષણિકતાઓ તારવીને પોતાની ક્ષમતા સ્થાપિત કરી છે. – સં.]
ચિંતન એ મનનું સૌંદર્ય છે. વિકાસને અનુકૂળ તર્ક એ બુદ્ધિનું સૌંદર્ય છે. પ્રેરક ફુરણા એ હૃદયનું સૌંદર્ય છે. મન, બુદ્ધિ અને હૃદયનાં આવા મોહક સૌંદર્યના સ્વામી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું જૈનસાહિત્યમાં પ્રદાન એ આજનો મારો વિષય છે.
આત્મલક્ષી સાહિત્યના સર્જક શ્રી રતિલાલ દેસાઈનો ટૂંક પરિચય જોઈએ તો જેણે જીવનની પ્રત્યેક પળ સંસ્કાર, શિક્ષણ અને સાહિત્યની સાધનામાં જ ગાળી છે તેવા કર્મનિષ્ઠ અને કર્તવ્યપરાયણ સાધકનો જન્મ વિ.સં. ૧૯૬૩ના ભાદરવા સુદ ૫ ને ગુરુવાર તા. ૧૨ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ તેમના મોસાળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે થયો હતો. માતાનું નામ શિવકોરબહેન અને પિતાનું નામ દીપચંદ દેસાઈ હતું. તેમનું મૂળ વતન સાયલા હતું.
બાળપણથી જ ભક્તિના સંસ્કાર તેમના પિતાશ્રી પાસેથી સાંપડેલ. પિતાશ્રી એટલા બધા ભક્તિપરાયણ હતા કે બધાં તેને દીપાભગત તરીકે જ ઓળખતા. પાછલી વયમાં તેમણે દીક્ષા પણ અંગીકાર કરી હતી. તેમના જીવનમાં સંઘર્ષનો પ્રારંભ અભ્યાસકાળથી જ શરૂ થયો હતો. જુદાજુદા સ્થળે સ્થળાંતર કરવાના કારણે તેઓશ્રીના અભ્યાસમાં સાતત્ય ન જળવાઈ શક્યું. પિતાશ્રી દીપચંદ દેસાઈની નોકરીના કારણે પ્રાથમિક શિક્ષણ લેવલામાં, ધૂળિયામાં, વઢવાણમાં, ફરી પાછા ધૂળિયા, ફરી સુરેન્દ્રનગરમાં એમ શિક્ષણકાળમાં એમની કસોટી શરૂ થઈ. હજુ અભ્યાસમાં સ્થિર થયા ન થયા ત્યાં તેમના માતુશ્રી શિવકોરબહેનનું અવસાન થયું. શ્રી રતિભાઈએ ૧૪ વર્ષની નાની વયમાં જ માતાની પ્રેમાળ છાયા ગુમાવી.
શ્રી રતિભાઈના પિતા પત્નીના મૃત્યુના વિયોગને સતત ઘૂંટ્યા કરવાને બદલે તેમની પુનિત સ્મૃતિને જાળવી રાખવા આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈને કોઈપણ પ્રલોભનોમાં લપેટાયા વિના બાળકોને માની ખોટ ન સાલે એમ ઉછેરવા લાગ્યા. કાશીવાળા આચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ની સલાહથી રતિભાઈને મુંબઈમાં
૧૬૮ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો