________________
કવિવર્ય નાનચંદ્ર મ.સા.ના ભજનો અને પદો
કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજે કાવ્યો, પ્રાર્થનાઓ, ભજનો અને પદોની રચના કરી છે. મહારાજશ્રીએ જૂના ભજનોના લોકઢાળો લઈને પદો રચ્યા છે. અપરિચિતોને તો એમ જ લાગે કે આ કોઈ જૂનું ભજન છે. પરંતુ નામાચરણમાં સંતશિષ્ય' એવું નામ આવે ત્યારે જ ખબર પડે કે આ તો મહારાજશ્રી રચિત ભજન છે. સાંપ્રદાયિકતાના સીમાડા ભેદીને સર્વધર્મ સમભાવ સુધી આ પદોની ભાવના પહોંચી છે.
માનવતાનું મીઠું ગત ભાગ ૧થી ૪ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના પ્રવચનોના આ ગ્રંથો આત્મલક્ષી માનવતાનો સંદેશ આપતા સાત્ત્વિક સાહિત્યના સંપુટ છે.
સમાજમાં જીવનમૂલ્યોને જાયેઅજાયે સારું એવું પરિવર્તન થઈ રહ્યું હોઈ સંપત્તિ અને માત્ર સંપત્તિની સૃષ્ટિની જાણે બોલબાલા દેખાય એવા સંજોગોમાં મૂલ્ય પરિવર્તનનો આ ઝોક સાચી દિશામાં છે કે કેમ એ એક ગંભીર અભ્યાસનો વિષય બની જાય છે. કવિવર્ય નાનચંદ્રજી મહારાજના વ્યાખ્યાનોના આ સંગ્રહમાં જીવનના આ મૂલ્યોને સ્પર્શતા વિવિધ વિષયોની છણાવટ કરવામાં આવી છે. જીવનનું રહસ્ય, મનુષ્યની સુખની શોધ, શક્તિનું મૂળ, અહિંસા, સ્વધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, યુગધર્મ, સેવાનો માર્ગ વગેરે બાબતોની છણાવટ કરીને, મુનિશ્રીએ આ ભૌતિક
ગતમાં જ દિવ્યતા પ્રગાવવાનો, અહીં આ ધરતી પર જ સ્વર્ગને સજાવવાનો સંદેશો આ ગ્રંથોમાં આપ્યો છે.
ટૂંકમાં કહીએ તો આત્મલક્ષી માનવતાનું એટલે કે સ્કૂલ અને સૂક્ષ્મને આવરી લેતી સાચી અને અખંડિત આધ્યાત્મિકતાનું સ્વરૂપ તેમણે અહીં સમજાવ્યું છે અને તે પણ સામાન્ય માણસો સમજી શકે તેવી સરળ શૈલીમાં આલેખન થયું છે.
આ ગ્રંથની ખાસ એક વિશિષ્ટતા એ કહી શકાય કે મુનિશ્રી સ્થાનકવાસી સંપ્રદાયના હોવા છતાં તેમનાં લખાણો – કાવ્યો કે વ્યાખ્યાનોમાં સંકુચિત સાંપ્રદાયિકતા કે એકાંગી દૃષ્ટિનો અભાવ છે. એ કારણ જ આ પુસ્તકોનું મૂલ્ય વધારી દે છે. વળી આ સંપાદન પણ યોગ્ય અધિકારી વ્યક્તિ – મુનિશ્રીના વિદ્વાન શિષ્ય શ્રી સંતબાલજીના હસ્તે થયું છે. પરિણામે વિષયની રજૂઆત સચોટ, સંગીન અને સુસંકલિત બની છે.
મોટે ભાગે સંસારત્યાગ કરીને સંયમને માર્ગે ગયેલા સંતો, ધર્મગુરુઓ, સંન્યાસીઓ ધર્મ, અધ્યાત્મ અને આત્માની વાતોને જ કેન્દ્રસ્થાને રાખીને ઉપદેશ આપતા હોય છે. કર્મમુક્તિની સાધનાના મહત્ત્વને કારણે માનવતા વિશે પ્રવચન કરનારા કે લખનારા ભાગ્યે જ જોવા મળશે. મન પડે કર્મબંધન થાય. મન જ કર્મમાંથી મુક્તિનો માર્ગ કરી આપે છે. આ માનવભવમાં શક્ય છે, માટે માનવભવ જ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે માનવો જ નિર્જરાનો માર્ગ લઈ શકે છે.
કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન + ૧૦૧