________________
સંતશિષ્ય પત્રસુધા સંતોનો સાધકો સાથે, ગુરુવર્યનો શિષ્ય-શિષ્યાઓ સાથે અને શ્રાવકો કે મહાજન સાથે પત્રવ્યવહાર થતો હોય છે. પરંતુ આપણે ત્યાં આવા પત્રોની સાચવણી અને તેનું સંપાદન કરી અને પ્રકાશન કરવાનું બહુ જ જૂજ બન્યું છે. આવા પત્રો સચવાણા હોય અને યોગ્ય સમયે તેનું પ્રકાશન થાય તે ઘણું ઉપયોગી અને ઉપકારી છે.
કવિવર્ય નાનચંદ્રજી મહારાજનો પત્રવ્યવહાર વિપુલ છે અને સદ્ભાગ્યે મોટી સંખ્યામાં પત્રો સચવાયા છે અને પ્રકાશન માટે પ્રાપ્ત થયા છે. પત્રોનું સંકલન મુનિશ્રી સંતબાલજીએ વિષયવાર વિભાગ કરી ૨૬ વિભાગમાં વહેંચ્યા છે. દરેક પાત્રને યોગ્ય શીર્ષક પણ આપ્યું છે. દરેક વિભાગની શરૂઆતમાં વિષયપ્રવેશ રૂપે ઉદ્દબોધન અને અંતે ઉપસંહાર સંતબાલજીએ લખી આપ્યો છે. પૂ. દમયંતીબાઈ મ.સા.એ પણ સંગ્રહ તૈયાર કરવામાં ઘણો પરિશ્રમ લીધો છે.
આમ જોઈએ તો પત્રવ્યવહાર અંગત વસ્તુ છે. કેટલેક દરજે નિરપેક્ષતાથી લખી શકાય છે. પત્ર લેખનમાં નિકટ સંબંધ છે. તેમાં કેટલુંક પ્રાસંગિક હોય અને કેટલુંક ચીર તત્ત્વ હોય.
બધા ધર્મોમાં અને ખાસ કરીને જૈન ધર્મમાં ગુરનો અસીમ મહિમા બતાવ્યો છે. ગુરુ વિના જ્ઞાન નહિ સાચું આધ્યાત્મિક જ્ઞાન બુદ્ધિ કે તર્ક નહીં, પણ આધ્યાત્મિક અનુભૂતિનો વિષય છે. જ્યારેજ્યારે અધ્યાત્મમાર્ગ સાધનામાં મૂંઝવણ ઊભી થાય ત્યારે ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય બની જાય છે. ગુરુનો પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે પત્રો દ્વારા પણ માર્ગદર્શન મેળવી શકાય છે.
અહીં ગ્રંથસ્થ પત્રો જીવનપંથને સાચો રાહ બતાવતા માર્ગદર્શક પત્રો છે. સંતશિષ્ય પત્ર સુધારૂપ જે પત્રસંગ્રહ પ્રગટ થયો છે, તેમાં મુનિશ્રીએ વિવિધ સ્વરૂપે માર્ગદર્શન આપ્યું છે તે જોઈ શકાય છે. કવિશ્રીની એક વિશેષતા એ હતી કે ગૃહસ્થને ગૃહસ્થ ધર્મોને લગતો જ ઉપદેશ આપતા. શ્રાવક અને શ્રાવિકા બંનેને લક્ષમાં લઈને આપતા. ટૂંકમાં નિશ્ચય અને વ્યવહાર દષ્ટિનો બરાબર સમન્વય સાધતા.
વ્યક્તિગત માર્ગદર્શન આપવાનું હોય ત્યારે શિષ્યની લાયકાત પ્રમાણે જ્ઞાન આપે, ન ઓછું ન વધુ.
અધ્યાત્મ પંથે વિચરતાને વિટંબણા, મુસિબતો કે મુંઝવણો હોય, કોઈને ધ્યાન માટે, કોઈને તપ માટે, કોઈને નામસ્મરણ જાપ માટે, કોઈને યોગ માટે, તો કોઈને કષાય મંદતા માટે યોગ્ય સાધકને યોગ્ય સમયે પત્રોથી પ્રેરણા આપતા.
આમ કવિશ્રીના આ પત્રોએ દિશાવિહીનને દીશા બતાવી છે, તો ભટકી ગયેલાને પાછા યોગ્ય રાહ પર લાવવામાં આ પત્રોએ અગત્યની ભૂમિકા ભજવી છે.
૧૦૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો