________________
ઉપસંહાર
સમાલોચના કરીએ તો કહી શકાય કે વિશ્વવત્સલ ભગવાન મહાવીરના ધર્મશાસનમાં છેલ્લા ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં અનેક ધર્મપ્રભાવક મહાન પુરુષો થઈ ગયા છે. એ બધામાં પણ પોતાની અસાધારણ પ્રતિભા, વિશિષ્ટ શાસન પ્રભાવના અને વિપુલ સાહિત્ય સર્જન આદિને કારણે શ્રીમદ્ રાજચંદ્ર આગળ તરી આવે છે. તેમનું મૌલિક સાહિત્ય તત્ત્વજ્ઞાનની ગહનતાથી ભરપૂર છે. તેમણે અનેક વિષયો પર સફળતાપૂર્વક કલમ ચલાવી છે. વિદ્વાનોને પણ વિચાર કરતા કરી મૂકે એવા તાત્ત્વિક ગહન ગ્રંથો લખ્યા છે, તેમ સહુ કોઈ સરળતાથી સમજી શકે એવું લોકભોગ્ય સાહિત્ય પણ સર્યું છે. ગદ્યમાં લખ્યું છે અને પદ્યમાં પણ – વિવેચનો પણ લખ્યાં છે અને ભાષાંતરો પણ.
એક વિશિષ્ટતા એ પણ છે કે તેઓ જૈન શાસ્ત્રના પારંગત તો હતા જ, પરંતુ અન્ય દર્શનોના પણ અભ્યાસી હોવાથી એમના સાહિત્યમાં એમની એ વ્યાપક વિદ્વતા અને સમન્વયાત્મક ઉદાર દૃષ્ટિના સુભગ દર્શન થાય છે તેમની કવિતા જોતા લાગે છે કે તેઓ કોઈ મહાન કવિ ન હતા છતાં કવિતાનું અભિવ્યક્તિ સામર્થ્ય તેમનામાં હતું. તેમના પદોની રચનાની અપૂર્વતા નોંધપાત્ર છે. એમનું દાર્શનિક સાહિત્ય એમની વિલક્ષણ પ્રતિભાનો સુંદર પરિચય કરાવે છે. એમણે રચેલા પદો વારંવાર મનન કરવા યોગ્ય છે જે તેમના આંતરવૈભવનો પરિચય આપે છે. આ મહાત્માએ પોતાના શાસ્ત્રજ્ઞાન અને અનુભવજ્ઞાનનો નિચોડ તેમના સાહિત્યમાં આપી દીધો છે. અલબત્ત તેમના સાહિત્યનો રસાસ્વાદ અનુભવવા જૈન પરિભાષા અને સિદ્ધાંતોનું જ્ઞાન આવશ્યક છે. શ્રીમદના લખાણોની બીજી એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું છે તે જ તેમણે લખ્યું છે તેથી ક્યાંય કૃત્રિમતા જોવા મળતી નથી પંડિત સુખલાલજીના મત પ્રમાણે વીસમી શતાબ્દીમાં ગંભીરતા, મૌલિકતા અને મધ્યસ્થતાની દૃષ્ટિએ શ્રીમદ્ રાજચંદ્રના લખાણોની સાથે સરખાવી શકાય એવા પુસ્તકો અલ્પ જોવા મળે છે. એમના સાહિત્યમાં જૈન સમાજમાં નવીન પ્રજાને કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જેને શિક્ષણ આપી શકે એવી ક્ષમતા પણ છે. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ અને વિશેષ કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દષ્ટિએ શ્રીમદ્દના લખાણોનું ભારે મૂલ્ય છે, તેમાં ક્યાંય પાંડિત્યતા નથી પણ સહજપણે ઉગેલી આધ્યાત્મિકતાના દર્શન થાય છે. વીસ દોહા, આત્મસિદ્ધિ, ક્ષમાપનાપાઠ વગેરેનું મહત્ત્વ અત્યંત છે! એ તો આત્મસ્વરૂપ પામેલા, આ કળિકાળમાં દુર્લભ એવા પુરુષની વાણી છે. એમના સાહિત્યમાં ધર્મ તેમ જ તત્ત્વચિંતન વિશેનું તેમનું મૌલિક દષ્ટિબિંદુ સ્પષ્ટ થાય છે જે અપૂર્વ છે – કાળલબ્ધિની પ્રાપ્તિ હોવાથી તેમના લખાણોમાં સતુ નીખરી રહ્યું છે. અંતમાં, તેમના અનુભવના નિચોડરૂપ તેમના વચનો જે દ્વારા શ્રીમદ્જીએ મોક્ષમાર્ગની પ્રાપ્તિ અને આત્મસિદ્ધિ માટેનું ગુપ્ત રહસ્ય પ્રગટ કર્યું છે, તે અમૃતતુલ્ય, અદ્દભુત વચનો જે શ્રીમદ્ રાજચંદ્ર પ્રકાશ્યા છે તે –
૬૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો