________________ પિંડવાડા મંડન શ્રી મહાવીર સ્વામિને નમઃ પિંડવાડા ભૂષણ શ્રી પ્રેમસૂરીશ્વરાય નમઃ સિદ્ધાંતમહોદધિ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાને નત મસ્તકે વંદના જેમણે સં. 1940 ના ફા.સુદ 15 ના પવિત્ર દિવસે પિંડવાડાના શ્રાદ્ધવર્ય ભગવાનજીભાઈના ધર્મપત્ની કંકુબાઈની કૂખે નાંદિયા મુકામે જીવિતસ્વામીના નૈકટયે જન્મ ધારણ કર્યો, | સં. 1957 ના કારતક વદ ૬ના પવિત્ર દિવસે સિદ્ધગિરિની પાવન તળેટીમાં અન્ય ચાર મુમુક્ષુઓ સાથે પૂ. ઉપા. શ્રી વીરવિજયજી મ.ના હાથે સંયમ ગ્રહી જેઓ પૂ. દાનવિજયજી મ.ના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજી બન્યા, જેઓએ વિશુદ્ધ ચારિત્ર પાલન કરી આત્માને નિર્મળ બનાવ્યો અને એકમાત્ર સંયમના વિશિષ્ટ પ્રભાવથી 300 મુનિઓના ગચ્છનું સર્જન કર્યું, (હાલ પરંપરાએ 1,000 સુધી સંખ્યા પહોંચી છે.) જેઓની મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વકના બ્રહ્મચર્ય ગુણની અને પંચાચારના પાલનની અનેક મહાપુરુષો પણ અનુમોદના કરતા, નિઃસ્પૃહશિરોમણી એવા જેમને ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ પરાણે ગુરુઓએ અર્પણ કર્યું અને આચાર્યપદ તો આજ્ઞા કરીને આપ્યું, જેઓએ જીવનભર ઉસૂત્ર, ઉન્માર્ગ અને અસંયમથી સમસ્ત સંઘની રક્ષા કરી, જેઓ વર્તમાન યુગના સર્વ આગમો-શાસ્ત્રોની અવગાહના કરી પ્રવિણતા મેળવી છેદસૂત્રોમાં પણ પારગામી થયા, પરમગીતાર્થ બન્યા, સકલ સંઘના માર્ગદર્શક બન્યા, શાસ્ત્રપારગામીપણાના કારણે જેઓને ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજાએ સિદ્ધાંતમહોદધિ પદથી વિભૂષિત કર્યા, જેઓએ અત્યંત સમતાપૂર્વક રોગ-પરિષદને સહ્યો અને અંતિમકાળે વીર-વીરના ઉચ્ચારણપૂર્વક અદ્ભુત સમાધિમરણ દ્વારા મૃત્યુનો પરાભવ કર્યો, | જેઓએ સં. 2016 માં અમારા પિંડવાડાના શણગારરૂપ મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરી પિંડવાડાના માત્ર સંઘ પર જ નહી પરંતુ પિંડવાડાના સમસ્ત નગર ઉપર મહાન ઉપકાર કર્યો, જેઓએ સં. 2020 માં અમારા પિંડવાડામાં જ પટ્ટક કરી તપાગચ્છમાં સં. 1992 થી તિથિ આરાધનાના કારણે ઉભા થયેલ સંઘભેદનું મહદ્ અંશે નિવારણ કર્યું, (જો કે પાછળથી પટ્ટક ભંગ દ્વારા પુનઃ ભેદ ઉભા થયા છે એ જુદી વાત છે.) જેઓએ દેવદ્રવ્યની રક્ષા વ્યવસ્થા માટે સંઘને સુયોગ્ય માર્ગદર્શન કર્યું, / એવા આ પિંડવાડાભૂષણ, અમારા સકલ સંઘના અનંત ઉપકારી સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના ચરણોમાં ભાવભરી વંદના. ગુરુદેવ દિવ્યલોકમાં રહ્યા પણ અમારા સંઘની રક્ષા કરે એ એક માત્ર અભ્યર્થના. - શ્રી પિંડવાડા જૈન સંઘ