________________
હું અત્યંતર તપો છે આ રીતે અણસણાદિ બાહ્ય તપોનું વિવરણ પૂર્ણ થાય છે. મુખ્યતયા આ તપો શરીરસંબંધી હોવાથી બાહ્યતપ કહેવાય છે. આ બાહ્યતપ દ્વારા શરીરની વૃત્તિઓ પર કાબુ આવે છે અને તેથી અનાદિકાળના કુસંસ્કારો સામે લડવાનું પ્લેટફોર્મ તૈયાર થાય છે, ત્યારબાદ અત્યંતર તપ તે કુસંસ્કારો સાથે લડવાનું ભગીરથ કાર્ય કરે છે... જો અત્યંતર તપ કુસંસ્કારો સામે સીધુ જ લડવાનું ચાલુ કરે, તો દેહાધ્યાસ વચ્ચે પડી જીવ દ્વારા કરાયેલા ભગીરથ પુરુષાર્થને નિષ્ફળ કરી નાંખે માટે સૌ પ્રથમ દેહાધ્યાસ તોડી બાકીના કુસંસ્કારો સાથે લડવામાં આવે છે. અત્યંતર તપ આમ તો દરેક કુસંસ્કારોને તોડે છે, પણ આત્માને-મહદંશે નડતા મુખ્ય દોષો ઉપર તે સૌ પ્રથમ ઘાત કરે છે. પ્રાયશ્ચિત્ત - પોતાના દોષો છુપાવાની-માયાવૃત્તિનો વિનય - પોતાની જાતને સૌથી ઊંચી માનવાની-અહંવૃત્તિનો, વૈયાવચ્ચ - સર્વત્ર બીજાનો ભોગે પોતાનો જ ફાયદો દેખવાની-સ્વાર્થવૃત્તિનો. સ્વાધ્યાય – બીજાની નિંદા-કુથલી કરવાની, સાંભળવાની-નિંદકવૃત્તિનો. ધ્યાન - નિરર્થક જાણકારી મેળવવાની-કુતુહલવૃત્તિનો. કાયોત્સર્ગ - દેહાદિથી ભિન્ન પદાર્થોને પોતાના સ્વરૂપે દેખાડનારી મમત્વવૃત્તિ કે મિથ્યાવૃત્તિનો. નાશ કરે છે,
માયાવૃત્તિ જતા જીવ સરળ પરિણામી બને છે, અહંવૃત્તિનો નાશ થતા જીવ નમ્ર પરિણામી બને છે, સ્વાર્થવૃત્તિ જતા જીવ મૈત્રી પરિણામી બને છે, નિંદકવૃત્તિ જતા જીવ પ્રમોદ પરિણામી બને છે, કુતુહલવૃત્તિ જતા જીવ સ્વભાવમાં સ્થિર પરિણામી બને છે. મમત્વ કે મિથ્યાવૃત્તિ જતા જીવ વિભાવમાં મધ્યસ્થ પરિણામી બને છે.
આ રીતે અત્યંતર તપો પણ જીવની પ્રકૃતિ જે મોહથી-કુસંસ્કારોથી દૂષિત હતી, તેને સત્સંસ્કારોથી વાસિત કરનારા બને છે, માટે જ શાસ્ત્રમાં અભ્યતર તપને મુખ્ય બતાવ્યો છે, છ પ્રકારના જે અત્યંતર તપો બતાવ્યા છે તેમાં સૌ પ્રથમ આવતા પ્રાયશ્ચિત્ત નામના તપને આપણે જોઇ લઇએ.