________________
છે રસત્યાગ મનને રુચતા-ગમતા દ્રવ્યો છોડવા ખૂબ અઘરા છે. ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરતા પણ ગમતા ભોજનનો ત્યાગ સૌથી અઘરો છે... ઉનાળાની સીઝન છે, ભાણામાં રસ-રોટલી શાક વગેરે દ્રવ્યો આવી ગયા અને રસનો ત્યાગ કરવાનું કોઇ કહે તો ? મન તરત જવાબ આપશે, જો ઉનાળાની સીઝનમાં ય રસ ન તો વાપરવા આપવો તો પછી ઉપવાસ જ કરાવી લેવો હતો ને ! જમવા બેઠા, દાળમાં મીઠું નથી, શાકમાં મરચું નથી, રોટલી પર ઘી નથી તો મનને ભોજન રુચતું નથી. આયંબિલમાં ઘી-તેલ-ગોળ આદિ કંઇ ન મલે, માત્ર ફિક્કુ અને સુક્કુ ખાવાનું જ હોય માટે કુચા વળે છે. ઘણાને ઉપવાસ ગમે છે, આયંબિલ નહી. ઉપરોક્ત બધી વસ્તુ એક જ બાબત સુચવે છે કે રસત્યાગ નામનો તપ આરાધવો કેટલો કઠિન છો. સાધનાના ક્ષેત્રનો નિયમ છે કે જે વધુ કઠિન હોય તેમાં કર્મનિર્જરા પણ વધુ અને આત્મિક આનંદનું પ્રગટીકરણ પણ વધારે.
આ તપમાં મુખ્યતયા વિગઇઓ અને મનપસંદ દ્રવ્યોનો ત્યાગ કરવાનું કહ્યું છે.. જીવને દૂધ-દહીં-ઘી-ગોળ-તેલ-કડાવિગઈ આ ૬ વિગઇઓથી બનતી ચીજવસ્તુ વિશેષ રુચિકર બને છે. આ તપથી જીભની આસક્તિનો ત્યાગ થઇ શકે છે, જે ગમે, તે તમામ દ્રવ્યોનો ત્યાગ આ તપના આલંબને શક્ય બને છે.
યાદ આવે કાકંદી નગરીના ધન્ના... ૧ થાંભલા ઉપરનો મહેલ, દેવલોકની અપ્સરાઓ જેવી ૩૨-૩૨ કન્યાઓ છોડી દીક્ષા લીધી, છઠ્ઠ ને પારણે છઠ્ઠ, “દિન દિન ચઢતે રંગે” કહી પ્રભુએ ૧૪૦૦૦ સાધુમાં શ્રેષ્ઠ બતાવ્યા... એવા આ ધન્ના કાકંદી છઠ્ઠને પારણે આયંબિલ, તેમાં પણ માખી પણ જેની પર ન બેસે તેવો રસકસ વગરનો આહાર લે.. એક વખતનો શ્રેષ્ઠિપુત્રે સાધનાથી શરીર એવું સુકવી નાખ્યું કે વંદન માટે આવેલા શ્રેણિકને ખબર પણ ન પડી કે આ સાધુ છે કે ઝાડનું થડ છે.. રસત્યાગની કેવી અદ્ભુત મનોભૂમિકા !! આપણા જીવનમાં પણ ક્યારેક ઠંડુ-ફીકું-મોળુ ખાવાનું આવી જાય ત્યારે જીભની આસક્તિને ગૌણ કરી સમતાપૂર્વક તે ભોજન વાપરી રસત્યાગ નામના તપને આદરવો જોઇએ.