________________
સમય-મર્યાદા નિશ્ચિત છે, અથવા તો પ્રતિજ્ઞાનો અંત ક્યારે થવાનો છે, તે સાધકને ખબર છે. માટે નિશ્ચિત મર્યાદા માટે જ સંજ્ઞા પર કાબુ રાખવાનો હોવાથી સંસ્કારો પણ નિયત સમય માટે શાંત થઇ જાય છે, ઉપવાસ છે-ભૂખ લાગી છે, મનને સમજાવાય છે-લાલચ અપાય છે, કે કાલે મળી જ જવાનું છે તોશા માટે સંક્લેશ કરે છે ? પણ અત્રે કરાતા અભિગ્રહમાં કોઇ સમયમર્યાદા નિશ્ચિત નથી, ઊભા થતા કુસંસ્કારોના આક્રમણને લાલચની જગ્યાએ માત્રને માત્ર સમજણથી જ દૂર કરી શકાય છે. પ્રતિપળ વૈરાગ્યભાવની જીવંતતા જરુરી બને છે, માટે પ્રત્યેક સમયે કર્મનિર્જરા થોકબંધ વધતી જાય છે. શુભભાવોની પ્રાપ્તિમાં જરૂરી પુરુષાર્થ કરતા શુભપરિણતિને દીર્ઘકાળ સુધી સતત જીવંત રાખવા માટે જોઇતો પુરુષાર્થ અનંતગણો ચડિયાતો હોય છે. પ્રભુ રોજ વ્હોરવા જાય છે, ત્યારે મનમાં ભાવો છે. “મળે તો સંયમવૃદ્ધિ'' થશે... અને ખાલી હાથે પાછા ફરે ત્યારે ‘‘નથી મળ્યું માટે તપોવૃદ્ધિ'' થઇ. અનાદિકાળથી જીવને એકાંત વિચારણા ગમે છે, અનેકાંતવાદગર્ભિત વિચારણાથી જીવ સતત દૂર રહે છે, માટે માત્રને માત્ર તપોવૃદ્ધિના ભાવોમાં રમવું હજી સરળ છે, માત્રને માત્ર સંયમવૃદ્ધિના ભાવોમાં રમવું હજી સરળ છે, પણ સંયોગાધીન થઇ મનના વલણને સહજ રીતે (સંક્લેશરહિતપણે) ફેરવી નાખવું, અત્યંત કઠિન છે. આ મોહનીયના વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમથી જ થઇ શકે છે... દેરાસરમાં ગયા, આજે પ્રક્ષાલપૂજાનો લાભ લઇ ઉત્તમ, સુગંધી જળથી પ્રભુનો અભિષેક કરવો છે, તેવા ઉત્તમ ભાવો આપણને જાગ્યા છે, પણ ચડાવો હાથમાં ન આવ્યો. બીજો શ્રાવક લાભ લઇ ગયો. આપણા શુભભાવોને ઠેસ વાગી ગઇ, અને ખેલ ખતમ થઇ ગયો. પૂજાનો રસ ઊડી ગયો, જળપૂજા કરવી છે તે મનોરથ તુટતા તો બાકીની એક પણ પૂજામાં ભાવોની વૃદ્ધિ ન થઇ... જ્યારે પ્રભુ રોજ સંયમપરિણતિની વૃદ્ધિ થાય, તે માટે જરૂરી સમિતિ-ગુપ્તિના પાલન માટે દેહની-આવશ્યકતાની પુષ્ટિ થાય તેવા આશયથી હરરોજ ગોચરી નીકળે છે પણ પ્રભુને ગોચરી ન મળતા સંયમવૃદ્ધિના ભાવોમાં ઠેસ વાગી છે છતાં પણ “નથી મળ્યું તો તપોવૃદ્ધિ''ના ભાવોમાં સહજતાથી ગોઠવાઇ જતા હતા... તે માટે પ્રભુએ આલંબન લીધું વૃત્તિસંક્ષેપ નામના તપનું. પરમાત્મા વીર પહેલાના કાળમાં પણ અને તે પછીના આપણા વર્તમાનકાળમાં પણ ઘણા ઉચ્ચ કક્ષાના આરાધકો આવા વૃત્તિસંક્ષેપ નામના તપને પોતાના જીવનમાં આચરે છે.
૬૮ ૩૬ ૦૨.