________________
આચરવો કર્તવ્ય છે જ, પણ એકાસણુ-ઉપવાસ આદિ અણસણ તપોની હાજરીમાં પણ ઉણોદરી આદિ તપનું સેવન મોક્ષાર્થી માટે અવશ્ય કર્તવ્ય બને છે.. મતલબ, એકાસણું પણ કરે ત્યારે ઉણોદરી-વૃત્તિસંક્ષેપ અને રસત્યાગપૂર્વકનું.... ઉપવાસ હોય તેમાં પણ ઉણોદરી આદિ ત્રિક વણી લેવી. ૮ ગ્લાસ પાણી ઉપવાસમાં વાપરી શકાય છે, છતાંય ૬ ગ્લાસ કે ૭ ગ્લાસ જ પાણી વાપરી ઉપવાસ નામના અણસણ તપની સાથે સાથે ઉણોદરી નામનો તપ પણ કરી શકાય છે.... ફીલ્ટર પાણી જ ફાવે, બોરનું પાણી જ જામે, મટકાનું પાણી ઠંડું હોય તોજ ગળે ઉતરે... વગેરે માંગણીઓ છોડી જેવું પાણી મળે તે વાપરી લેવા દ્વારા રસત્યાગ નામનો તપ પણ અણસણના તપની સાથે સાથે થઇ શકે છે, જેવી રીતે ગોચરી ગ્રહણ કરવાના વિવિધ અભિગ્રહો હોય છે તેવી જ રીતે પાણીને ગ્રહણ કરવાના પણ વિવિધ-અભિગ્રહો ધારવા વડે વૃત્તિસંક્ષેપ નામનો તપ પણ આરાધી શકાય છે.
આમ અણસણ સાથે ઉણોદરી આદિ જેટલા તપો ઉમેરાતા જાય તેમ તે તપ વિશિષ્ટ ફળદાયી બને છે. દેખાય છે કે ૮ ઉપવાસ-અટ્ટા-માસક્ષમણઆયંબિલની ઓળી વગેરે તપો તો ઘણા જીવો કરે છે, છતાંય બધાની કર્મનિર્જરામાં ઘણો ફરક છે. એનું કારણ જેમ મનના અધ્યવસાયોની ભિન્નતા છે, તેમ ઘણી વખત અણસણનું બાકીના ૧-૨-૩-૪-૫ બાહ્ય તપો સાથે અને ક્યારેક અત્યંતર તપો સાથે થતું જોડાણ પણ છે... અણસણ પછી બીજા જેટલા તપો વધે તેટલા એકડા ઉપર મીંડા વધારવા જેવી વાત છે. આમ, જૈનધર્મમાં બહારથી ભલે અણસણ નામના તપનો વ્યાપ વધુ દેખાતો હોય, પણ બધા જ સ્થાનોમાં બાકીના બધાય તપો ફેલાયેલા છે, અને જીવની કર્મનિર્જરામાં અણસણ કરતા વધુ સહાયક બને છે.
હવે ઉણોદરી શબ્દનો શબ્દાર્થ સમજી લઇએ, ઉન + ઉદર = ઉનોદર, કંઇક ઓછું પેટ ભરાય તેવું વાપરવું તે ઉનાદરી, ભૂખ કરતા કંઇક ઓછું વાપરવુ તે ઉણોદરી, અથવા શાસ્ત્રમાં પુરુષની સપ્રમાણ આહાર ૩૨ કોળીયા, બતાવ્યો છે સ્ત્રીનો સપ્રમાણ આહાર ૨૮ કોળીયા બતાવ્યો છે. આનાથી કંઇક ન્યૂન ખોરાક વાપરવો, તે પણ ઉણોદરી તપ કહેવાય છે. અથવા કુકડીના ઇંડા પ્રમાણ (મોંમાં કોળીયો મુકતા મોં વિકૃત ન થાય) ૩૨ કોળીયાથી ઓછો આહાર વાપરવો તે ઉણોદરી તપ કહેવાય છે.