________________
બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ સ્વામી ભગવાન
પૂર્વભવોઃ જંબૂદ્વીપનાં ભરત ક્ષેત્રમાં અચળપુર નગર છે. ત્યાં વિક્રમધન રાજા છે. રાણી છે ધારિણી. તેમનો પુત્ર છે ધનકુમાર, તથા કુસુમપુર નગરના રાજા સિંહ તથા રાણી વિમળાની પુત્રી ધનવતી. બંનેના વિવાહ થાય છે. ધનકુમારને બે નાના ભાઇઓ હતા. ધનદેવ અને ધનદત્ત. એકવાર ચાર જ્ઞાનધારી વસુંધર નામનાં મુનિ પધાર્યા. રાજાએ સપરિવાર વંદન કર્યા. દેશનાને અંતે પૂછ્યું. “આ ધનકુમાર ગર્ભમાં હતો, ત્યારે તેની માતાએ સ્વપ્નમાં એક આંબાનું ઝાડ જોયું હતું. તે વખતે કોઇ પુરૂષે કહ્યું હતું, કે જુદે જુદે નવ ઠેકાણે નવ વાર આ વૃક્ષ રોપાશે અને તેને ઉત્તરોત્તર વિશેષ ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થશે. તે મુનિવર ! કુમારનો જન્મ થવાથી તે વૃક્ષનું રહસ્ય તો અમને સમજાયું. પરંતુ નવવાર આરોપણ કરાશે એ વાતનું રહસ્ય નથી સમજાતું.” ત્યારે અવધિજ્ઞાનથી મહાત્મા બોલ્યાઃ “તમારો પુત્ર આ ભવથી માંડી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ એવા નવા ભવ કરશે, અને નવમા ભાવમાં યદુવંશી બાવીસમા તીર્થંકર થશે.” આ વાત સાંભળી બધાને જૈનધર્મ પ્રત્યે ભદ્રકભાવ પ્રગટ્યો.
એકવાર ધન-ધનવતી સ્નાનક્રીડા માટે સરોવરમાં ગયા હતા, ત્યારે અશોકનાં વૃક્ષ નીચે ગચ્છથી વિખુટાં પડેલા એક મહાત્માને જોયા. તેમની શુશ્રુષા કરી તે મુનિચંદ્ર મુનીશ્વરે સમ્યકત્વ સહિતનો ગૃહસ્થ ધર્મ કહ્યો. જે તેમણે સ્વીકાર્યો. હવે તેઓ પિતાનાં રાજ્ય પર આવ્યા. અંતે, પુનઃ પધારેલાં શ્રી વસુંધર મુનિની પાસે દીક્ષા લીધી, ગીતાર્થ બન્યા, આચાર્ય થયા. અનશન કરી ૧ માસને અંતે સૌધર્મ દેવલોકમાં શક્રેન્દ્રનાં સામાનિક મહર્તિક દેવતા થયા. આ બીજો ભવ.
ત્રીજા ભવે ? આ ભરતક્ષેત્રમાં વૈતાઢ્યગિરિની ઉત્તર શ્રેણિમાં સૂરતેજ નામનું નગર હતું. ત્યાં સૂર નામનો વિદ્યાધરચક્રવર્તી રાજા હતો. તેની વિદ્યુમ્નતિ રાણીની કુક્ષિથી ધનનો જીવ ચિત્રગતિ વિદ્યાધર તરીકે અવતર્યો. અને દક્ષિણ શ્રેણિમાં શિવમંદિર નગરમાં અસંગસિંહ રાજાની રાણી શશિપ્રભા દ્વારા રત્નાવતી તરીકે ધનવતીનો જીવ જન્મ્યો. કાલાંતરે તેમનો વિવાહ થયો. દંપતી સુખ ભોગવવા લાગ્યા. ધનદેવ અને ધનદત્તનાં જીવ મનોગતિ અને ચપલગતિ
જૈન તીર્થંકર ચરિત્ર