________________
એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાન
પૂર્વભવઃ ધાતકીખંડના ભરત ક્ષેત્રમાં કૌશાંબી નગરીનાં રાજા હતા સિદ્ધાર્થ. એમનામાં ગાંભીર્ય, ધૈર્ય, ઔદાર્ય, વીર્ય અને સૌહાર્દ વગેરે બધાં ગુણો એક બીજાની સ્પર્ધા કરતા હતા. તેના મનમાં એક માત્ર ધર્મ રમતો હતો. તેથી જ જ્યારે “સુદર્શન' નામનાં સદ્ગુરૂનો યોગ થયો, ત્યારે તેમણે દીક્ષા લીધી. વીશમાંથી અમુક સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાજર્યું. પછી મૃત્યુ પામી અપરાજિત નામના વિમાનમાં દેવ થયા.
જન્મઃ અનુત્તર વિમાનમાં સર્વોત્કૃષ્ટ આયુષ્ય-૩૩ સાગરોપમ ભોગવીને મિથિલા નગરીમાં વિજય રાજાના વપ્રા નામના રાણીની કૂખે પુત્રપણે અવતર્યા. ત્યારે આસો માસની પૂનમ અને અશ્વિની નક્ષત્ર હતું. ૧૪ સુપના માએ જોયાં. ઇન્દ્ર શકસ્તવથી પ્રભુની સ્તવના કરી.
ગર્ભકાળ વીત્યા પછી શ્રાવણ વદ-૮ (અષાઢ વદ-૮) અશ્વિની નક્ષત્રમાં માતાએ નીલકમલના લાંછનવાળા અને સુવર્ણ સરખી કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. ૫૬ દિકકુમારીકાઓએ સૂતિકર્મ, ૬૪ ઇન્દ્રોએ સ્નાત્ર-મહોત્સવ, અને રાજાએ પુત્ર-જન્મ-મહામહોત્સવ ઉજવ્યો.
નામ સ્થાપના : ભગવાન ઉત્તમ ગુણોથી મહાન હોવાથી, તેમના ચરણે સુરો-અસુરો નમ્યાં. તેથી તેમને “નમિ' કહે છે. આ સામાન્ય કારણ છે. વિશેષ કારણ એ છે કે પ્રભુ જ્યારે ગર્ભમાં હતા, ત્યારે શત્રુઓએ મિથિલા નગરીને ઘેરો ઘાલ્યો હતો. તે વખતે મહેલ પર ચડેલાં વપ્રાદેવીને જોઇને રાજાઓ ચરણે નમતાં આવ્યા. માટે “નમિ' કુમાર નામ રાખ્યું. આ એક વાત છે. બીજી ઘટના એવી છે કે ભગવાનનો જન્મોત્સવ થયો સાંભળીને પાડોસી રાજાઓ ઇર્ષા, દ્વેષથી ગ્રસિત બન્યા. તથા ભવિષ્યમાં વિજય રાજા અમને હરાવી નાંખશે.” એવો ભય ઉત્પન્ન થયો. તેથી તેમણે એકતા કરીને મિથિલા નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. ત્યારે માતાને સહજ પારિણામિકી બુદ્ધિથી ઉપાય હુર્યો. બાળકને ખોળામાં લઈ તેઓ સૂર્યોદયે નગરના કોટ પર ચડ્યાં. ત્યારે સર્વે રાજાઓએ પ્રભુના પ્રભાવથી જ પ્રભુને નમસ્કાર કર્યા. અભિમાની એવા સર્વે રાજાઓ જિનને નમ્યા તેથી રાજાએ “નમિ' એવું નામ પાડ્યું.
જૈન તીર્થકર ચરિત્ર