________________
અગ્યારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ સ્વામી
પૂર્વભવ : પુષ્કરવ૨દ્વીપાર્ધની પૂર્વ મહાવિદેહમાં કચ્છ નામની વિજયમાં ક્ષેમા નામની નગરી છે. ત્યાં રાજ્યસુખમાં આસક્ત બન્યા વિના નલિનીગુલ્મ રાજા રાજ્યપાલન કરે છે. રાજ્ય ભૌતિક સમૃદ્ધિથી સર્વથા ભરેલું હોવા છતાં તેમનું મન હંમેશાં ધર્મસમૃદ્ધિ મેળવવા પ્રયત્ન કરે છે. તેથી વજ્રદત્ત નામનાં મુનિ પાસે તેઓ દીક્ષા ગ્રહણ કરે છે. ઊગ્ર સંયમ પાલન કરી અમુક સ્થાનકોની આરાધના કરીને તીર્થંકર નામકર્મ બાંધે છે. અંતે અનશન કરી કાળ પામીને મહાશુક્ર નામનાં સાતમાં દેવલોકમાં દેવ થાય છે.
જન્મ : જંબૂઢીપ-ભરતક્ષેત્રમાં સિંહપુર નામનું નગર છે. ત્યાં વિષ્ણુ નામનાં રાજા છે અને વિષ્ણુ નામનાં રાણી છે. નલિનીગુલ્મ રાજાનો જીવ સાતમા દેવલોકમાંથી ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી જેઠ વદ-૬ (વૈશાખ વદ-૬) શ્રવણ નક્ષત્રમાં માતાની કુક્ષિમાં અવતર્યો. ચ્યવનકલ્યાણક ઉજવાયું. ચૌદ સ્વપ્ન-દર્શન થયા.
ગર્ભકાળ સમાપ્ત થતાં ફાગણ વદ-૧૨ (મહા વદ-૧૨)ના શ્રવણ નક્ષત્રમાં ગેંડાનાં ચિહ્નવાળા સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો. જ્યાં જન્મ થયો કે તુર્તજ ૫૬ દિક્કુમારિકાઓ આવી, પછી ૬૪ ઇન્દ્રો આવ્યા. જન્માભિષેક થયા. સવારે નગરીમાં આનંદ કિલ્લોલ ઉજવાઇ રહ્યો.
નામસ્થાપન : શ્રેયાંસ-કલ્યાણકારી શરીરનાં અવયવો (અંગો) છે જેના તે શ્રેયાંસ. આ સામાન્ય કારણ છે. પરંતુ, વિશેષ કારણ તો એ જ, કે ભગવાન ગર્ભમાં હતાં, ત્યારે માતાને કિંમતી શય્યા પર આરૂઢ થવાનો દોહદ થયો. તે શય્યા કુલદેવતાથી અધિષ્ઠિત હતી તેથી તેનો કોઇ ઉપયોગ કરતું ન હતું. તેની ફક્ત પૂજા કરાતી. રાણીને તો તે શય્યામાં જ સૂવાનો દોહદ થયો. અને તે જેવી શય્યામાં સૂતી કે દેવતા સહસા નાસી ગયો. આથી, ‘સેર્જાસ’ આવું પ્રાકૃત નામ થયું. જેનું સંસ્કૃત ભાષાંતરણ ‘શ્રેયાંસ’ થાય છે.
વિવાહ અને રાજ્ય : યૌવનવયમાં વર્તતા ભગવાનની સાથે અનેક રાજકન્યાઓનું પાણિગ્રહણ થયું. પ્રભુએ જન્મથી ૨૧ લાખ વર્ષો પસાર થયાં
જૈન તીર્થંકર ચરિત્ર
૪૦