________________
ન કેવળજ્ઞાન : જીવ પરનું જ્ઞાનાવરણ કર્મ સર્વથા નાશ પામી જાય તો જીવનો સ્વાભાવિક જ્ઞાનગુણ પ્રગટ થાય છે, જેને કેવળજ્ઞાન કહે છે. કેવળજ્ઞાનમાં એક સાથે-પ્રત્યેક સમયે ત્રણે લોકના-ત્રણે કાળના-સર્વ દ્રવ્યોના-સર્વ પર્યાયોનું જ્ઞાન થાય છે.
કેવળજ્ઞાન થાય પછી મતિ વિ. જ્ઞાનો હોતા નથી. અહીં આ વાત દૃષ્ટાંતથી સમજીએ-ચોમાસાની ઋતુમાં ઘનઘોર વાદળો છવાયેલા હોય ત્યારે ભરદિવસે પણ ઘણું અંધારું થઈ જતું હોય છે. જો કે રાત જેવું અંધારું થતું નથી. જ્યારે વાદળો સાથે સૂર્ય સંતાકુકડી રમે ત્યારે ક્યારેક સૂર્યના કિરણો કાણામાંથી બહાર આવતા દેખાય છે. સૂર્ય સમાન જીવનો જ્ઞાનસ્વભાવ છે. ઘનઘોર વાદળા એ કેવળજ્ઞાનાવરણ કર્મ છે, જે સૂર્યના પ્રકાશને ઢાંકી દે છે, તેથી કેવળજ્ઞાન થતું નથી. પણ આ વાદળામાં વચ્ચે ક્યાંક ક્યાંક થોડાં છિદ્રો હોય છે, જે મતિ વિ. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમરૂપ છે. તેમાંથી થોડો થોડો પ્રકાશ આવે છે, તે મતિ વિ. જ્ઞાનો છે. હવે જો વાદળા સંપૂર્ણ દૂર થઇ જાય તો સૂર્યનો પૂર્ણ પ્રકાશ આવે, પછી કાણાંમાંથી આવતો પ્રકાશ ન રહે; તેમ કેવળજ્ઞાનાવરણ કર્મનો ક્ષય ક્ષતાં પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થઇ જતાં બાકીના મતિ વિ. જ્ઞાનો રહેતા નથી. એટલે એકલું માત્ર તે જ હોવાથી જ તેને કેવળજ્ઞાન કહેવાય છે.
કેવળજ્ઞાન શાશ્વત છે. અર્થાત્ આવ્યા પછી અનંતકાળ સુધી રહે છે, કદી નાશ પામતું નથી. કેવળજ્ઞાન એક જ છે, પેટાભેદ નથી. તે શુદ્ધ, પરિપૂર્ણ, અનંત (અનંત દ્રવ્યો અને તેની અવસ્થાઓને જાણનાર) અને અવ્યાઘાતી છે. મતિ વિ. જ્ઞાનનો ઉપયોગ જીવે કરવો પડે છે. દા.ત. સામે આ પુસ્તક હોવા માત્રથી વંચાઇ જતું નથી, ઇચ્છાપૂર્વક વાંચવું પડે છે.
તેમ અવધિજ્ઞાન દ્વારા કંઈ જાણવું હોય તો ઉપયોગ મૂકવો પડે, તો જ જાણી શકાય, અન્યથા નહીં. જ્યારે કેવળજ્ઞાનનો ઉપયોગ મૂકવો પડતો નથી. અરીસામાં જેમ વસ્તુનું પ્રતિબિંબ પડ્યા જ કરે, તેમ કેવળજ્ઞાનથી સર્વ પદાર્થો જણાયા જ કરે છે.
જીવનનું અમૃત