________________
૨) પરોક્ષ - જે આત્માને સીધું થતું નથી, ઇન્દ્રિયાદિ સામગ્રી દ્વારા થાય છે તે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે. તેમાં પણ ઇન્દ્રિય-મન દ્વારા થતુ મતિજ્ઞાન એ સંવ્યવહારથી પ્રત્યક્ષ ગણાય છે (જેને તૈયાયિકો વગેરે પ્રત્યક્ષ કહે છે.).
અને શાસ્ત્રવચન-અનુમાનાદિથી થતાં મતિ-શ્રુતજ્ઞાન તો પરોક્ષ જ છે. મિથ્યાત્વીના જ્ઞાનને અજ્ઞાન (વિપરીત જ્ઞાન) કહેવાય છે.
પ્રશ્ન - મિથ્યાત્વી પણ ઘડાને “ઘડો” જ માને છે તો પછી તે અજ્ઞાન કેમ કહેવાય ?
ઉત્તર - સમ્યકત્વી ઘડાને સ્યાદ્વાદદષ્ટિથી પૂર્ણપણે જાણે છે. અર્થાત્ ઘડો ભૂતકાળની અપેક્ષાએ માટીનો ઢગલો પણ છે, ભવિષ્યકાળની અપેક્ષાએ ઠીકરું પણ છે, વિ. બધું જાણે છે-સ્વીકારે છે.
મિથ્યાત્વી એક જ દૃષ્ટિકોણ (વર્તમાન)ની પક્કડવાળો હોવાથી કદી ઘડાને પૂર્ણપણે જાણતો નથી. ઊલટું આ ઘડો જ છે, માટી કે ઠીકરું નથી, એમ માને છે, તે જ્ઞાન વિપરીત જ હોવાથી અજ્ઞાન છે.
તેમ મિથ્યાત્વીને જ્ઞાનના ફળરૂપ વિરતિ અને મોક્ષ ન થતા હોવાથી તેને જ્ઞાન છે જ નહીં, અજ્ઞાન જ છે.
મિથ્યાત્વીને ૩ જ્ઞાન થઇ શકે – મતિ, શ્રુત અને અવધિ, જેને મતિઅજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે.
એક જીવને એક સાથે ૧,૨,૩ કે ૪ જ્ઞાન હોઇ શકે. ૧) માત્ર કેવળજ્ઞાન ૨) મતિ-શ્રુત જ્ઞાન અથવા મતિ-શ્રુત અજ્ઞાન
૩) મતિ-શ્રુત-અવધિ જ્ઞાન અથવા મતિ-શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન અથવા મતિ-શ્રુત-મન:પર્યવ જ્ઞાન.
૪) મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાન
મતિ-શ્રુત જ્ઞાન (કે અજ્ઞાન) વિનાનો કોઇ જીવ હોતો નથી. સૂક્ષ્મ નિગોદના જીવને પણ અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન તો હોય જ છે.
જ્ઞાનનું સ્વરૂપ