________________
આત્માથી પરમાત્મા
અહીં એ સારી-રીતે યાદ રાખવું જોઈએ કે આત્માના પરમાત્મા બનવાનો અર્થ આત્માનો પોતાનાથી કોઈ ભિન્ન પદાર્થ બની જવાનો નથી, બલકે તેના પોતાના જ વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરી લેવાનો છે. જયાં સુધી આત્મા કર્મોથી ઉત્પન્ન સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી ઢંકાયેલો રહે છે ત્યાં સુધી તેનું વાસ્તવિક સ્વરૂપ છુપાયેલ રહે છે. પણ જ્યારે ધ્યાનના બળથી કર્મ નષ્ટ થઈ જાય છે અને ત્રણેય શરીરના પડદા હટી જાય છે ત્યારે પરમ પ્રકાશમય આત્માનું વાસ્તવિક સ્વરૂપ પોતાની-જાતે પ્રગટ થઈ જાય છે અને તે પરમાત્મા બની જાય છે. આ તથ્યને જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
આ આત્મા સ્વયં સાક્ષાત્ ગુણરૂપી રત્નોનો ભરેલો સમુદ્ર છે તથા
એ જ આત્મા સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, સર્વનાં હિતરૂપ છે, સમસ્ત પદાર્થોમાં વ્યાપ્ત છે, પરમેષ્ઠી (પરમપદમાં સ્થિત) છે અને નિરંજન છે, અર્થાત્ જેમાં કોઈ પ્રકારની કાલિમા નથી.
આ આત્મા સ્વયં તો જયોતિર્મય (પ્રકાશમય) છે, પણ આ ત્રણ પ્રકારના શરીરો(સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર)થી ઢંકાયેલો છે. જયાં સુધી એને પોતાની જાતનું જ્ઞાન થઈ જતું નથી ત્યાં સુધી ભલા આ બંધનથી કેવી રીતે છુટી શકે છે?
જ્યારે આ આત્મા વિશુદ્ધ ધ્યાનના બળથી કર્મરૂપી ઈંધણોને ભસ્મ કરી દે છે ત્યારે એ સ્વયં જ સાક્ષાત્ પરમાત્મા થઈ જાય છે, આ નિશ્ચય છે.
આ આત્માના ગુણોનો સમસ્ત સમૂહ ધ્યાનથી જ પ્રગટ થાય છે તથા ધ્યાનથી જ અનાદિકાળની સંચિત કરેલી કર્મ-સંતતિ (કર્મોની પરંપરા) નષ્ટ થાય છે.
મોહરૂપી કીચડ નષ્ટ થતાં તથા ભ્રમમાં નાખનારા રાગ વગેરે દોષો પૂરી રીતે શાંત થઈ જતાં યોગી જન(અભ્યાસી) પોતાનામાં જ પરમાત્માના સ્વરૂપને જુએ છે, અર્થાત્ અનુભવ કરે છે.
347