________________
પ્રકાશક તરફથી
સંસારના બધા જીવ સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પરંતુ બધા કોઈ ને કોઈ પ્રકારે વધતા ઓછા પ્રમાણમાં દુઃખી જ જોવા મળે છે. એનું કારણ એ છે કે ઘણા લોકો ગંભીરતા અને ઊંડાણપૂર્વક આ વિષય પર વિચાર કરતા નથી કે સાચું સુખ કોને કહે છે અને તેની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે છે. સંસારના ઘણા બધા જીવોમાં મનુષ્યને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે, કારણ કે તેને વિવેક્ની શક્તિ પ્રાપ્ત છે જેનો સદુપયોગ કરી તે સાચા સુખ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરી શકે છે અને ઉચિત સાધનને અપનાવી સાચું સુખ અને શાંતિની પ્રાપ્તિ કરી શકે છે. પરંતુ આજકાલના વ્યસ્ત સાંસારિક જીવનમાં અધિકાંશ મનુષ્યો પોતાના વિવેકને ભૂલીને મન અને ઈન્દ્રિયોના પ્રભાવમાં બાહ્ય વિષયોમાં સુખ શોધવાની કોશિશ કરે છે. પરંતુ એવું કરવાથી તેમને હમેશાં અસંતોષ, અશાંતિ અને નિરાશા જ પ્રાપ્ત થાય છે.
ભારતના કેટલાક પ્રાચીન મહાપુરુષોએ બહાર ભટકનારા મન તથા ઈન્દ્રિયોને વશમાં કરીને પોતાના મનોવિકારો પર વિજય પ્રાપ્ત કર્યો. આ વિજેતાઓને જ “જિન” કહે છે. એવા “જિન” અથવા મહાન સંયમી મહાપુરુષોએ આત્મસાધના દ્વારા પોતાના સાચા સ્વરૂપને ઓળખ્યું અને સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ કરી. “જિન”ના અનુયાયીઓને જ “જૈન” કહેવામાં આવે છે. જૈન-પરંપરા અનુસાર અનાદિકાળથી જ ઉચ્ચ કોટિના મહાત્મા, “જિન” પુરુષ અથવા મુનિજન સંસારમાં જીવોના કલ્યાણ માટે આવતા રહ્યા છે. આ રીતે જૈન ધર્મને ભારતનો એક અત્યંત પ્રાચીન ધર્મ માનવામાં આવે છે. પ્રસ્તુત પુસ્તકમાં આ જ જૈન ધર્મના મૂળ વિચારોને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જૈન ધર્મ અનુસાર આત્મા અચેતન પદાર્થોથી બિલકુલ ભિન્ન એક ચેતન, નિત્ય અને અવિનાશી તત્ત્વ છે જે અનંત સુખોનો ભંડાર છે. જૈન ધર્મ આ