________________
હું બોલું અને કોઈ લખે તેમ લખાયો છે. તેથી તેમાં ભાષાના, જોડણીના કે બીજા પણ કોઈ કોઈ દોષ પ્રવેશ્યા હશે. ક્યાંક કોઈ વાતની પુનરૂક્તિ પણ થતી હશે. કેમકે લખ્યા પછી હું જાતે તો તે વાંચી શકેલ નથી.
ભૂમિકામાં ઉપર કહ્યું તેમ આમાં બને ત્યાં સુધી મારી આત્મશ્લાઘા ન આવી જાય તેની કાળજી રાખી છે. આમ છતાં ઔસ્ક્યને લીધે ક્યાંક આત્મશ્લાઘા થઈ ગઈ હોય તો તે દરગુજર કરવાની ભલામણ કરું છું. એ ઉપરાંત આમાં ક્યાંય કોઈનો અવર્ણવાદ કે ઘસાતું લખવાનો ઇરાદો રાખેલ નથી. કોઈને ઉતારી પાડવાની વૃત્તિ કે દૃષ્ટિ નથી રાખી. માત્ર જે પ્રસંગો જે રીતે બન્યા અને તેમાં મેં જે ભાગ ભજવ્યો તથા મેં જે રીતે તેને જોયા તે જ આલેખવાની વાત અહીં રાખી છે. એક કરવા જતાં કોઈને પણ ઓછું આવે અને
ખરાબ લાગે તેવું લખાયાનું લાગે કે કોઈની લાગણી દુભાય તો તે માટે હું આ તબક્કે અહીં જ પહેલેથી મિચ્છામિ દુક્કડમ આપું છું અને તેઓની માફી જાહેરમાં માંગી લઉં છું. મારો આશય કોઈનું પણ ઘસાતું
લખવાનો નથી તેની ખાત્રી આપું છું. વધુમાં, આલેખેલા પ્રસંગોને મેં જે પ્રમાણે નિહાળ્યા અને અનુભવ્યા તિમ મારી યાદદાસ્ત ઉપરથી અને મારી સમજ મુજબ આલેખ્યા છે. કોઈ બીજાની યાદદાસ્ત તથા સમજ આથી જુદી હોય અને તેણે આ બધા પ્રસંગોને કે કોઈ પ્રસંગને મારાથી જુદી રીતે નિહાળ્યો હોય અને અનુભવ્યો હોય તે બની શકે છે. તે માટે મારે એટલું જ કહેવાનું કે આ મારા પોતાના અવલોકન પરથી અને અવગાહન પરથી લખેલ છે. કોઈ આમાં જુદા પડે તો તે સામે મારે વાંધો નથી. મારે તો મારું આ આલેખન પ્રમાણિક છે કે નહીં તેટલું જ વિચારવાનું છે.
હવે જીવનના કાંઠે બેઠો છું. આંખોનાં તેજ વિલાયાં છે. ઘરની બહાર નીકળવું હોય કે ક્યાંક કોઈ મહારાજ પાસે જવું હોય તો પણ કોઈ દોરીને હાથ પકડીને લઈ જાય તો જ બને છે. બાકી બધો વખત ઘરમાં જ રહેવાનું છે. ઘરમાં રહ્યા રહ્યા ઉભય ટંક પ્રતિક્રમણ અને સામાયિક થઈ શકે છે. પગાર આપીને માણસ રાખેલ છે તે તથા ધર્મનેહી મિત્રો આવીને વિવિધ ધર્મગ્રંથો તથા ઉપદેશની વાતો વાંચી સંભળાવે છે તે સાંભળીને સ્વાધ્યાય થાય છે. શાંત સુધારસ ગ્રંથ તથા આનંદઘન ચોવિશી વગેરે વિવિધ સ્તવનો તેમજ ૮૦ જેટલી સજઝાયો નાની ઉંમરે કંઠસ્થ કરેલી તે સાંભળી લઈને તાજી તથા પાકી કરેલ છે. એકલો પડું ત્યારે આ બધું ગુંજન કરીને અને ગણીને તથા વાગોળીને સ્વાધ્યાયમાં સમય પસાર કરું છું. કોઈ આવે તો વાતો પણ થાય છે. શાસનનાં પણ પ્રશ્નો આવે તો યથાશક્ય ભાગ લઉં છું. પૂર્વનો પુણ્યોદય છે કે નાની પુત્રવધુ સૌ. પન્ના તથા તેનો પુત્ર ચિ. જગત મને સારો સાચવે છે.
આ સંસ્મરણો મારી હયાતી દરમ્યાન જ છપાઈ જાય તો સારું તેવો મહારાજશ્રીનો તથા મિત્રોનો આગ્રહ છે. મારું પણ તે માટે મન છે. પરંતુ તિથિચર્ચાના પ્રશ્નની લંબાણથી છણાવટ તથા ચર્ચા કરી હોવાથી આ. રામચંદ્રસૂરિજીના ભક્તો તે સહન ન કરી શકે અને કોર્ટે કેસ કરે તેવી મનમાં ફડક છે. જે પ્રશ્ન શાસનરાગી વિચારક માણસ માટે તદન નજીવો ગણાય, તે પ્રશ્ન તે પક્ષ માટે પ્રતિષ્ઠાનો પ્રાણપ્રશ્ન મનાય છે. તે પક્ષને ન ફાવે તેવું લખનારને તેઓ કોર્ટમાં ઘસડી ગયા વિના રહ્યા નથી અને રહેતા નથી. તેમના જ જૂના ભક્ત બાબુભાઈ હળવદ કે જૈન પેપરવાળા મહેંદ્ર ગુલાબચંદ વગેરે ઘણા દાખલા તાજા છે.
- જો કે હું દશા પોરવાડમાં આ. રામચંદ્રસૂરિ મહારાજને છેલ્લે મળેલો ત્યારે તેમને મારા આ લખાણની ગમે ત્યાંથી માહિતી મળી હશે તેથી તેમણે તે વાંચવા આપવા માંગણી કરેલી. મેં તેમને કહ્યું કે