________________
આવા વિચારે મેં મારા બાલ્યકાળથી સંસ્મરણોની ટૂંકી નોંધ કરી હોવા છતાં પણ પછી આ કામ ન કરવું તેવા નિર્ણય ઉપર આવ્યો. પરંતુ આની જાણ શીલચંદ્રવિજયજીને કરૂં તે પહેલાં પ.પૂ. પં. અભયસાગરજીને મળવાનું થતાં મેં તેમને વાત કરી. તો તેમણે પણ મને ‘‘શીલચંદ્રવિજયજીએ કરેલી વાત અતિમહત્ત્વની છે, ખૂબજ શાસન ઉપયોગી છે, અને અવશ્ય કરવા યોગ્ય છે” એમ કહી દબાણ કર્યું.
આમ શાસનના પ્રામાણિક ગણાતા મુનિ ભગવંતો અને મારા પૃચ્છા યોગ્ય, ડાહ્યા, શાસનના આગેવાનોએ પણ મને આ માટે દબાણ કર્યું. આથી હું નિર્ણય ઉપર આવ્યો કે બને ત્યાં સુધી આત્મશ્લાઘાને દૂર કરી, જેના પરિચયમાં આવ્યા હોઈએ તે તે મુનિ ભગવંતો તથા શાસન હિતૈષી શ્રાવકો, મિત્રો વિગેરેનો પ્રામાણિક પરિચય આપવો. આ પરિચય દ્વારા,'શાસનની પ્રભાવનામાં જેમનો હિસ્સો છે તે પુણ્ય પુરુષોના ગુણાનુવાદ દ્વારા મારામાં ગુણગ્રાહિતા પ્રગટ થશે. અને વધુમાં શાસનના આ વિશિષ્ટ પુરૂષોનો વાંચકોને
પરિચય મળવા દ્વારા શાસન પ્રત્યે અહોભાવ પ્રગટ થશે.
(૨)
મારૂં જીવન અનેક ઝંઝાવાતોમાંથી પસાર થયું છે. પાટણ પાસેના નાના ગામમાં જન્મ; દસ વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ; માતાના મૃત્યુ બાદ કેવળ પોતાની પુત્રીનાં બાળકોની સાચવણી માટે રહેલાં મારાં માતામહી-માતાની માતાનું બે માસ બાદ મૃત્યુ ! ત્યાર બાદ પોતાના દીયરનાં બાળકોને સાચવવા રોકાયેલાં મારાં મોટાં બાનું પણ બે માસમાં મૃત્યુ. આમ અપશુકનિયાળ તરીકે જાહેર થયેલ અમે પૂજ્ય પિતાની વ્હાલસોયી નજરમાં ઓશિયાળું જીવન જીવી મોટાં થયાં છીએ.
કુદરતની ગતિ ન્યારી છે. જીવનનું વ્હેણ ક્યાં લઈ જાય છે તેની ખબર કોઈને નથી પડતી. વ્યવહારિક અભ્યાસ કરવાની પણ સુવિધા ન હોવાને કારણે પૂ. પિતાએ સુરત અભ્યાસ કરવા મુક્યા. પણ જેનું ભાવિ જુદું પોકારાતું હોય તે ક્યાંથી ટકે ? એકાદ વર્ષ ટક્યા બાદ ગામડામાં અને ત્યાર બાદ મહેસાણા અને પછી પાટણ વિદ્યાભુવનમાં મુરબ્બીવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખની નિશ્રામાં સ્થિર થયા. અને જેની કલ્પના નહોતી તે ધાર્મિક અભ્યાસ અને ધાર્મિક સંસર્ગમાં જીવન પસાર થયું.
(૩)
વીતેલ જીવનનો વિચાર કરતાં સંતોષ છે. આરોગ્ય સારૂં સચવાઈ રહ્યું છે. બાલ્યકાળમાં પિતાના આર્થિક સંજોગો ખૂબ જ ખરાબ હોવા છતાં સારા પ્રતિષ્ઠિત કુટુંબ સાથે વ્યવહારિક સંબંધો બંધાયા છે. કુટુંબમાં કોઈ અકાળ મૃત્યુના આઘાત નડ્યા નથી. સંતાન તરફથી કોઈ શરમ ઉપજાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ નથી. આર્થિક મુશ્કેલી તો સૌને જીવનમાં થોડેઘણે અંશે આવે. પણ તેવી કોઈ મોટી મુશ્કેલી જીવનમાં નડી નથી. જ્ઞાતિ, સમાજ, મિત્ર વર્ગ અને શાસનમાં ઇજ્જત તથા માનમોભો મળ્યાં છે, જળવાયાં છે. આ બધો પ્રતાપ દેવગુરૂધર્મનો છે તેમ માનું છું.
(૪)
આ સંસ્મરણો વિષે કહું તો તે એક બેઠકે સળંગ લખાયા હોય તેવું નથી. કેટલોક ભાગ લખાયો પછી વર્ષો સુધી તે પડી રહ્યો અને પછી ઘણા તરફથી કે મહારાજ તરફથી ઉધરાણી આવતાં આગળ લખવાનું બન્યું હોય તેવું બન્યું છે. મારા જીવનનાં પાછલાં વર્ષોમાં હું આખે અખમ બનેલો છું. એટલે પાછળનો ભાગ
[ IV ]