________________
ૐ નમઃ પાર્શ્વનાથાય
ભૂમિકા
(૧)
પૂ. મુનિ શ્રી શીલચંદ્રવિજયજી નાની ઉંમરના બુદ્ધિશાળી ઉત્તમ સાધુ ભગવંત છે. ૫.પૂ. આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની સાથે મારે વર્ષો જૂનો પરિચય હતો. તેમાં પણ છેલ્લા દસ વર્ષથી તો હું તેમનાં ગાઢ પરિચયમાં હતો. શાસનના કોઈ પણ પ્રશ્નમાં તેઓને હું પૂછતો, અને તેઓ પણ મને માહિતગાર કરતા. આ વાતચીતમાં પૂ. મુનિ શ્રી શીલચંદ્રવિજયજીની અવશ્ય હાજરી રહેતી. આ નાતે મારો તેમનો પરિચય રહ્યો છે.
પૂ. આચાર્ય ભગવંતના સ્વર્ગવાસ પછી પણ મને તેમની પ્રત્યે આકર્ષણ એ હિસાબે રહ્યું છે કે ભવિષ્યમાં શાસનના શાણા, વિદ્વાન્ અને દીર્ઘદ્રષ્ટા આગેવાન મુનિભગવંત થવાની યોગ્યતા તેમનામાં મને લાગી છે. જેને લઈ હું તેમને શક્ય હોય તો વર્ષમાં એકાદ વખત પણ મળવાની અવશ્ય ઇચ્છા રાખું છું. વિ.સં. ૨૦૩૩નું ચાતુર્માસ ગોધરા કર્યા બાદ તેઓ પોતાના ગુરુમહારાજ પ.પૂ. આ સૂર્યોદયસૂરિજી સાથે અમદાવાદ પધાર્યા. અને પાલડી શાંતિવન મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરમાં થોડા દિવસ રોકાયા. હું તેમને મળવા ગયો. તેમણે મને કહ્યું, ‘‘પંડિતજી, મારે તમને ખાસ દબાણપૂર્વક ભલામણ કરવાની છે, અને તે એ
કે છેલ્લા પચાસ વર્ષના ગાળાના શાસનના મુખ્ય મુખ્ય આચાર્યો અને વિશિષ્ટ મુનિ ભગવંતો તેમજ તમામ સ્તરના શાસનના આગેવાન શ્રાવકો સાથે તમે ઘનિષ્ટ પરિચયમાં આવ્યા છો. તમારી લેખિની હૃદયંગમ છે. તો તમે આ સંબંધોમાં તમારાં સંસ્મરણો રૂપે પચાસ વર્ષોની આલેખના કરો તો છેલ્લા પચાસ વર્ષનો શાસનનો ઇતિહાસ ચિરંજીવ બની રહે. આ કામ અગત્યનું છે અને તે તમારા સિવાય શક્ય નથી. મારી ઇચ્છા આ કામ માટે તમને બાધા આપવાની છે. પણ તમે બાધા ન લો તો કાંઈ વાંધો નહિ, પણ સંકલ્પ કરો અને કોઈ પણ રીતે આ કામ કરો તેમ ઇચ્છું છું.” મેં આ વાત વગર સમજે સ્વીકારી. પરંતુ જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ મને તે સંબંધમાં ઘણા વિચારો આવ્યા.
પહેલો વિચાર તો એ આવ્યો કે અઢારે પાપસ્થાનોથી ખદબદતા મારે મારાં સંસ્મરણો દ્વારા અહંને પોષી વધુ નીચા ઊતરવાની શી જરૂર છે ? સંસ્મરણોના આલેખન દ્વારા હું કેટલાકને મિત્રો કરી શકીશ. પણ ધ્યાનબહાર રહેલાં કેટલાંક સંસ્મરણોથી, અગર વિપરીત સમજથી, કેઈને અન્યાય દ્વારા ઘણાને દૂભવીશ પણ કેમ નહિ ? આ ઉંમર જેમ બને તેમ ઝેર શમાવી શાંતિ મેળવવાની ઉંમર છે. તેમાં આ નવો ઉલ્કાપાત જગાવવાની શી જરૂર છે ?
[||]