________________
એમાં તો તમારી વિરૂદ્ધમાં લખાણ હશે. ત્યારે તેઓએ ભલે મારી વિરુદ્ધમાં હોય, પણ હું વાંચી જઈશ-એમ કહેલું. જો કે, તે પછી મારે તેમને મળવાનું ન થયું અને તેઓ પણ લાંબું ન રહ્યા. પણ તેમનામાં પ્રતિપક્ષીની વિરોધી વાતો સાંભળવાની જે સહૃદયતા અને તૈયારી હતી તે તેમને શિષ્યોમાં તથા ભક્તોમાં નથી લાગતી. જો કે હું ફરી સ્પષ્ટતા કરી લઉં કે તેમને કે કોઈને પણ ઉતારી પાડવાની દાનત મેં આમાં મુદલ રાખી નથી. મને જે વ્યક્તિ માટે જેવું લાગ્યું હતું તેવું મેં તે વ્યક્તિ માટે સ્પષ્ટ આલેખ્યું છે. પરંતુ પક્ષરાગી માણસોમાં આ વિચારવાની ધીરજ અને સમજ નથી હોતી.
તેથી મારી હયાતી બાદ અમુક વખત પછી આ પ્રસિદ્ધ થાય તેવી ગોઠવણી મેં કરી છે. આ સંસ્મરણોનું લખાણ શ્રીશીલચંદ્રવિજયજીએ તેમજ બીજા પણ મને યોગ્ય લાગ્યા તે મુનિ ભગવંતોએ તેમજ મિત્રવર્ગ-સ્વજનવર્ગ-પૈકીના કેટલાકે વાંચેલ છે. પરંતુ આ હું તે કોઈને સોંપતો નથી. હું આ વાતો અને બનાવોથી તદન અનભિન્ન હોય તેવી વ્યક્તિને આ લખાણ સોંપવાનો છું. તેની છાપવાની તેમજ ખર્ચની પણ ગોઠવણ થઈ ગઈ છે. યોગ્ય મુકરર વેળાએ આ છપાય તેવી ગોઠવણ છે. આમ, આ છપાય તેમાં પ્રેરણા તથા ભલામણ ઘણાબધાની હોય પણ જવાબદારી કોઈની રહેતી નથી.
મારા પુત્રો ત્રણ છે. પુત્રીઓ તથા તેમનો પરિવાર પણ છે. તેઓ પૈકી કોઈની પણ આમાં કોઈ પ્રકારની જવાબદારી નથી. આ લખાણ થતું તેમણે જોયું કે સાંભળ્યું હોય તે સિવાય તેઓમાંના કોઈને પણ આ સાથે દેવાલેવા નથી કે સંબંધ નથી. તે બધા આનાથી બિલકુલ ફારેગ છે - અને રહેશે, તે આ તબક્કે જ ચોખવટ કરી લઉં છું. તેથી મારી પાછળ તેઓને કોઈ હેરાનગતિ ન થાય. કોઈ સંડોવે નહિ.
(૬). આ સંસ્મરણો વાંચીને કોઈને એવી છાપ ઉપસે કે જૈન સંઘે આ પચાસ વર્ષમાં પ્રશ્નો ઊભા કરવા અને ક્લેશ કરવા સિવાય કાંઈ કર્યું જ નહિ? તો તે બનવાજોગ છે. માનીએ કે ન માનીએ, પણ આપણે હુંસાતુંસી, વિસંવાદ, ક્લેશ, પક્ષાપક્ષી અને કોર્ટ કચેરી સિવાય વિશેષ કાંઈ સાધી શક્યા છીએ કે કેમ તે પ્રશ્ન છે.
આવનારો વર્ગ આ બધામાંથી કોઈ ધડો લેશે અને આ બધાનું પુનરાવર્તન તથા વિસ્તરણ નહીં કરે તેવી કાંઠે બેઠેલા અમને આશા રહે છે. સં. ૨૦૪૪ના સંમેલનથી આ આશાને બળ સાંપડે તેવું બન્યું છે. આ સૌમનસ્ય, સામંજસ્ય અને એકરાગ ઉત્તરોત્તર વિકસતું જાય તેમાં જ શાસનનું શ્રેય છે. નહિ તો હવેની પેઢી ધર્મથી વિમુખ બનીને ગમે તે માર્ગે-ઉન્માર્ગે વળી જશે તેમાં સંદેહ નથી.
છેવટે આ બધામાં ક્યાંય ધર્મ, સંઘ, શાસનથી અને શાસ્ત્રથી વિપરીત લખાઈ ગયું હોય કે દેવગુરૂધર્મની), આશાતના થાય તેવું લખાયું હોય તો તેનો મિચ્છામિ દુક્કડમ છે. જે તે ઠેકાણે વારંવાર લખેલાં મહારાજ સાહેબોનાં નામો આગળ પ.પૂ. કે મ.સા. વગેરે નથી, તે અવહેલના કે આશાતનારૂપ સમજવાનું નથી. પરંતુ વાતચીતની તથા બોલચાલની ભાષામાં લખાણ થયું હોવાથી તદન સાહજિકપણે જ તેમ લખેલ છે. તેમાં કોઈ ગલત આશયથી ન વિચારે તેવી અપેક્ષા.
લિ. મફતલાલ ઝવેરચંદ
અમદાવાદ
[VI]