________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
“એ વાત બેટા તારી ને તારા ભગવાન વચ્ચેની છે. તું જે કરીશ એ સાચું કરીશ.”
તાના ત્યાં ઉભી રહી. વેદનાથી આમતેમ ચાલતો પાગલનો ચહેરો પવનમાં પાંદડું ડોલે એમ ડોલતો હતો.
“પા....ણી....પા...ણી...પાણી....”
અને પાણી ધીમે ધીમે..ધીમે ધીમે....તાનાના કંઠમાંથી મલારના સૂર ઊઠવા માંડયા. ગુંજવા લાગ્યા. ઘુંટાવા લાગ્યા. ઘેરાવા લાગ્યા. શેરીમાંથી માણસ આવી ચડયાં.
પાટ ઉપર સૂતેલો પાગલ....ધીમે ધીમે....ધીમે....બેઠો થવા માંડયો. ધીમે ધીમે ધીમે સાપ ઉપરથી કાંચળી ઊતરે એમ પાગલના ચહેરા ઉપરથી વ્યાધિ – વેદના ઊતરવા માંડયા.
ને પ્રેક્ષકો એ ગાનારીને ને એ પાગલને વારાફરતી તાકી રહ્યાં.
આભમાં વાદળ ઘેરાયાં. મેઘ વરસવા માંડયો. પાગલના અંગ ઉપર પડયો અને જાણે અશ્વિનનીના વરદાન પામેલા વૃદ્ધ ચ્યવન મુનિ સરિતામાંથી સ્નાન કરીને નવયુવા બહાર આવ્યા તેમ પાટ ઉપર સૂતેલો પાગલ મેઘમલારમાં સ્નાન કરેલો, વેદના માત્રથી નિર્મળ ઉભો થયો.
ખમ્મા મારી મા ! ખમ્મા મારી મા ! ખમ્મા સરસ્વતી !' એણે દોડીને તાનાના પગમાં માથું ઝુકાવીને કહ્યું : “ખમ્મા !મારો દીપકતાપ ચાલ્યો ગયો છે ! મા હવે બંધ કરો. નહિ તો હિમાળો વરસશે.”
અને છતાં એ રાગ ચાલુ રહ્યો.
“અરે......કોઈ.....કોઈ... માનું ગાન બંધ કરાવો. કોઈ બંધ કરાવો...નહિ તો.... નહિ તો....દીપકની આગમાં હું જલ્યો.....હેમાળાની ઠંડીમાં એ.... કોઈ બંધ કરાવો....''
પણ ગાન ચાલતું જ રહ્યું, સૂર ઘૂંટાતા રહ્યા....આખરે બંધ પડયા. || ૨૬૭૪