________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો લખો, નવલકથા, વાર્તા કે કોઈ ચિંતનસભર પુસ્તક આપો, જગત પર એક મનોરમ શિલ્પ મૂકીને જાવ, લોકો કાયમ યાદ કરે એવું કોઈ કામ કરીને જાવ. પરંતુ તમારું કોઈ પણ સર્જન માતાની તોલે ન આવે. મા પોતાના પેટમાં, પોતીકા હેતથી પોષીને એક નવા જીવનને જન્મ આપે છે. એના માટે બધું જ કરે છે. સમય આવ્યે પોતાના જાનની બાજી લગાવી શકે છે. સ્ત્રીનું સર્વશ્રેષ્ઠ સર્જન છે એનું બાળક. બાળક માટે માતા રાતભર જાગે છે. ફૂલની જેમ એનું જતન કરે છે. બાળકના સુખ માટે પોતાનું સુખ જતું કરે છે. બાળના પોષણ અને વિકાસ માટે પોતાનું જીવન નીચોવી નાખે છે. પોતાના બાળક માટે માની છાતીમાંથી દૂધ ઊભરાય એ સૃષ્ટિનો સૌથી મોટો ચમત્કાર છે. મા એક જીવતો પ્રવાહ છે. એ પોતાના સંતાન માટે પીગળીને વહી શકે છે. આપવામાં આનંદ અનુભવે છે. સતત શુભેચ્છાનો પ્રવાહ બનીને જીવી શકે છે. ‘મા’ એ કોરો શબ્દ નથી. એ એક અનુભૂતિ, એક ચમત્કૃતિ છે.
માતા માટે બાળક કંઈપણ કરે, માતાના સમર્પણ અને વાત્સલ્ય સામે એની કોઈ વિસાત નથી. મોટામાં મોટો માણસ પણ ‘મા’ના ચરણમાં નમે છે. એ ભલે મોટો ઉદ્યોગપતિ હોય, દેશનો વડો પ્રધાન કે રાષ્ટ્રપતિ હોય, જેની સામે અનેક લોકો નમતા હોય, એવો માણસ પણ ‘મા’ના ચરણમાં નમે છે. પોતાની માતા સામે એ કાયમ નાનો છે. સ્વયં ભગવાન પણ બચપણમાં તો માની આંગળી પકડીને જ ચાલે છે.
માત્ર જન્મ આપવાથી જ કોઈ સ્ત્રી માતા થતી નથી. ‘મા’ થવા માટે તો પ્રત્યેક સ્ત્રીએ સાધના કરવી પડે છે. બાળકને પ્રેમ, પોષણ, સંસ્કાર અને સમજ આપવાથી જ કોઈ સ્ત્રી સાચી માતા બને છે. આજકાલ બાળકને પોષણ, સગવડ બધું મળે છે, પણ માતાનો પ્રેમ કે માતાની હૂંફ મળવામાં થોડી કચાશ રહે છે અને એથી જ મા-બાળકના સંબંધમાં કયારેક સ્વાર્થ, ઔપચારિકતા અને એકબીજા તરફનો ધિક્કાર પ્રવેશી જાય છે. ઘણીવાર એક પણ બાળકને જન્મ ન આપ્યો હોય એવી સ્ત્રીનું હૃદય પણ માતૃત્વથી છલકાતું હોય છે.
|| ૧૬૬ ||