________________
શ્રી ક્ષત્રિય કુંડ તીર્થ
ક્ષત્રિય કુંડ : શ્વેતાંબર પંથની માન્યતા મુજબ ક્ષત્રિયકુંડ ભગવાન મહાવીરસ્વામીના પિતા સિદ્ધાર્થની રાજધાનીનું શહેર હતું. તેઓ ધર્મપ્રેમી અને જનતાનું કલ્યાણ કરવાની ભાવનાવાળા હતા. તેમનાં લગ્ન વૈશાલી ગણતંત્રના ગણાધીશ રાજા ચેટકની બહેન ત્રિશલાદેવી સાથે થયાં હતાં. ચૈત્ર સુદ તેરશની અર્ધ રાત્રિના સમયે, ત્રિશલાદેવીની કૂખે પુત્ર રત્નનો જન્મ થયો, જે જિન ધર્મના સ્થાપક જૈનોના ચોવીસમા તીર્થંકર તરીકે પંકાયા. ભગવાન મહાવીરના જન્મ પછી સમસ્ત ક્ષત્રિયકુંડ રાજ્યમાં ધન ધાન્ય વગેરેની વૃદ્ધિ થઈ અને ચારે તરફ સુખશાંતિ વધવા લાગ્યાં, આથી જન્મના બારમે દિવસે તેમનું નામ વર્ધમાન પાડવામાં આવ્યું. વર્ધમાનની અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે, માતાપિતાનું અવસાન થયું. વર્ધમાન તો જન્મથી વૈરાગ્ય વૃત્તિવાળા હતા, એટલે માતા પિતાના અવસાન પછી તેમણે ગૃહત્યાગ કરવા માટે તૈયારી કરી, પણ તેમના મોટાભાઈ નંદીવર્ધને તેમને ગૃહત્યાગ કરતાં બે વર્ષ માટે અટકાવ્યા. આથી, વર્ધમાને જિંદગીના ત્રીસમા વર્ષે ગૃહત્યાગ કરી જૈનોના ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના પંથમાં દીક્ષા ગ્રહણ કરી. આમ ભગવાન મહાવીરના ત્રણ કલ્યાણક ચ્યવન, જન્મ અને દીક્ષા આ સ્થળે થયાં અને જીવનનાં ત્રીસ વર્ષ પણ તેમને અહીં જ વીતાવ્યાં હતાં. આથી શ્વેતાંબર પંથી જૈનો માટે આ એક યાત્રાનું મહત્ત્વનું સ્થળ બની ગયું છે.
ક્ષત્રિયકુંડ એક પહાડ ઉપર વસેલું છે. આ પહાડ ઉપર એક મંદિર છે, જે ભગવાન મહાવીરના જન્મસ્થાન સાથે સંલગ્ન છે. ક્ષત્રિયકુંડની તળેટીમાં બે મંદિરો છે. આ બન્ને મંદિરોને ચ્યવન અને દીક્ષા કલ્યાણક સ્થળો તરીકે ઓળખવામાં આવે છે. આ બન્ને મંદિરોમાં મહાવીર સ્વામીની પ્રતિમાઓ છે.
શ્વેતાંબર પંથી જૈનો માટે આ સ્થળ ભગવાન મહાવીરનું જન્મસ્થાન
૧૬૫