________________
શ્રી ગુણાયાજી તીર્થ
સિદ્ધિના દાતાર શ્રી ગૌતમ સ્વામીજીની સ્મૃતિ સાથે જોડાયેલું આ બીજું તીર્થ છે. કુંડલપુર શ્રી ગૌતમસ્વામીજીનું જન્મસ્થાન છે, તો એકમત પ્રમાણે શ્રી ગુણાયાજી તીર્થ શ્રી ગોતમસ્વામીજીના ચોથા કલ્યાણક કેવલજ્ઞાન સાથે વણાયેલું છે.
રાજગૃહીના ઈતિહાસમાં ગુણશીલ ચૈત્યનો ઉલ્લેખ આવે છે. અહીં ભગવાન મહાવીર અનેકવાર આવ્યા હતા. અને દેશના આપી હતી તેમજ સમવસરણ પણ રચાવ્યાં હતાં. ગુણાયાજી એ ગુણશીલનો અપભ્રંશ હશે તેમ માનવામાં આવે છે.
અહીં એક શ્વેતાંબર મંદિર છે, જેમાં શ્રી ગૌતમસ્વામીજીની પદ્માસનસ્થ શ્વેતવર્ણની મૂર્તિ છે.
આ મંદિર જલમંદિર છે. તેની નિર્માણ શૈલી પાવાપુરીના જલમંદિર જેવી છે. મંદિરમાં જવા માટે પાવાપુરીના જલમંદિરમાં છે તેવો જ પુલ બાંધવામાં આવ્યો છે. મંદિરની બાંધણી આકર્ષક છે. આ સિવાય અહીં દિગંબરોનું એક બીજું મંદિર છે.
નજીકનું રેલ્વે સ્ટેશન નવાદા લગભગ ત્રણ કિલોમીટર દૂર છે વળી તે પટણા-રાંચીના મુખ્ય માર્ગ પર આવેલું છે. મુખ્ય સડકથી મંદિર ૨૦૦ મીટર દૂર છે. પાવાપુરીથી તે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું છે. કાર, બસ વગેરે વાહનો મંદિર સુધી આવે છે.
રહેવા માટે શ્વેતાંબર અને દિગંબર બન્ને પંથીઓની ધર્મશાળા છે.
૧૬૪