________________
શ્રી પાટલીપુત્ર તીર્થ : પટણા
આજનું પટના શહેર તે પ્રાચીનકાળનું પાટલીપુત્ર. બિંબીસાર યાને શ્રેણિક રાજાના પૌત્ર અજાતશત્રુના પુત્ર ઉદયને ઈ.સ. પૂર્વે ૩૮૮ની સાલમાં તે વસાવ્યું હતું. ઉદયન રાજા જૈન ધર્મનો અનુયાયી હતો. અહિં તેમને જૈન મંદિરો, પૌષધશાળાઓ વગેરે બંધાવ્યાં હતાં. ઉદયન રાજા પછી મહાપદ્મનંદ રાજા ગાદીએ આવ્યો, જૈનોની માન્યતા પ્રમાણે તેઓ પણ જૈન ધર્મના અનુયાયી હતા. આથી તેમના સમયમાં જૈન ધર્મનો વધુ ફેલાવો થયો.
જૈન ધર્મની માન્યતા પ્રમાણે વર્તમાન ચોવીસમાં જંબુસ્વામી એ આખરી કેવલી હતા અર્થાત્ તેમના પછી કોઈને કેવલજ્ઞાન થયું નથી અને મોક્ષે સિધાવ્યા નથી. આ જંબુસ્વામીના યશોભદ્રસૂરીશ્વરજી નામે એક શિષ્ય હતા. તેમનો જન્મ પાટલી પુત્રમાં થયો હતો. તેમના બે શિષ્યો શ્રી સંભૂતિવિજ્ય અને ભદ્રબાહુસ્વામી પણ અહિંના જ વતની હતા.
મહાપદ્મનંદ રાજાના શકટાલ નામે મંત્રી હતા. તેમને સ્થૂલિભદ્ર અને શ્રેયક નામે બે પુત્ર હતા. સ્થૂલિભદ્ર બુદ્ધિશાળી હતા, પણ વિષયવાસનામાં આસક્ત રહેતા. તેઓ પાટલીપુત્રની રાજનર્તિકા કોશીને ત્યાં જ પડ્યા રહેતા. એક દિવસ આ સંસારને અસાર સમજી, સ્થૂલિભદ્રે શ્રી સંભૂતિવિજય પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી સ્થૂલિભદ્રના સંયમને આવરી લેતી એક રસપ્રદ કથા છે. પરંપરા મુજબ શિષ્યોએ ચોમાસુ ક૨વા માટે બીજા સ્થળોએ જવા માટે ગુરૂ પાસે આજ્ઞા માગવી પડતી. સ્થૂલિભદ્રે કોશી વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની અનુમતિ માગી. ગુરૂને સ્થૂલિભદ્રના સંયમમાં વિશ્વાસ હતો એટલે તેમણે સ્થૂલિભદ્રને અનુમતિ આપી. સ્થૂલિભદ્ર મુનિ અહિં ગુલઝાર બાગની નજીક આવેલ કોશી વેશ્યાની ચિત્રશાળામાં ચાતુર્માસ કરવા ગયા. કોશી વેશ્યા તો અત્યંત ખુશ થઈ ગઈ પણ સ્થૂલિભદ્ર મુનિએ કોશી વેશ્યાને ત્રણ હાથ દૂર રહેવું તેવો આદેશ આપ્યો. કોશીએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. આ
૧૨૨