________________
ઉપરના ભાગમાં શ્રી શાંતિનાથજીનું મંદિર છે અને નીચેના ભાગમાં શ્રી અષ્ટાપદજીનું મંદિર છે. મંદિરનું શિખર અને મૂર્તિઓ બેહદ આકર્ષક છે. અહિં એક સમવસરણ છે, જેની શિલ્પકળા અસાધારણ અને મનમોહક છે. તેના શિખરના ગુંબજની છતમાં વાજીંત્રો સાથે નૃત્ય કરી રહેલ બાર અપ્સરાઓ આબેહૂબ રીતે ચિત્રાંક્તિ કરવામાં આવી છે.
અષ્ટાપદના મંદિરના અંદરના ભાગમાં હાથી, ઘોડા, સિંહ વગેરેની આકૃતિઓ છે. કોઈ સ્થળે વાંદરાનાં ચિત્રો પણ છે. મંદિરની ચારે બાજુની ભીંતોમાં કળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ પ્રદર્શિત કરતી સુંદર કોતરકામવાળી મૂર્તિઓ છે. કેટલીક યુવતીઓ તુતુરીવાદન કરી, ઢોલક તથા તંબૂરો વગાડતી હોય તેવી નૃત્યની મુદ્રાઓમાં દ્રષ્ટિગોચર થાય છે. આ મૂર્તિઓ તદ્દન સજીવ હોય તેવી લાગે છે. આજની નૃત્યાંગનાઓ પોતાના અંગઉપાંગો દ્વારા નૃત્યની જે મુદ્રાઓ પ્રસ્તુત કરે છે, તેનાથી અનેકગણી આકર્ષક નૃત્યમુદ્રા, આ મૂર્તિઓમાં છે.
એક જગ્યાએ વાઘનો શિકાર કરતી તથા પટ્ટા ખેલતી યુવતીઓનાં ચિત્રો છે. કોઈ કોઈ સ્થળે નગ્ન કામિનીઓની મુદ્રાઓ અને શૃંગાર રસમાં તરબોળ પતિ પોતાની નવયૌવના પત્નીને હોઠ પર હોઠ રાખીને ચુંબન કરતા બતાવવામાં આવ્યા છે.કોઇ સ્થળે કામિની સ્ત્રીઓના અંગ ઉપાંગનું સૌષ્ઠવ સજીવપણે મૂર્તિમંત કરવામાં આવ્યું છે. કંઇક મૂર્તિઓની સુંદર આકર્ષક મુખાકૃતિઓ, વિશાળ ભુજાઓ અને વિશાળ ભાલ, કલાત્મક રીતે ગૂંથેલ વાળોની લટ, તીક્ષ્ણ નયનબાણ, પોપટના જેવું નાક,પાતળા સુંદર હોઠ, મદમસ્ત સ્તન, પાતળી નાજુક કમર, અલંકૃત શરીર વગેરેની સૂક્ષ્મતા તથા ભાવભંગિ આબેહૂબ રીતે કંડારવામાં આવ્યાં છે. અહિંની મૂર્તિઓની શિલ્પકળા જોતાં ખજુરાહો, કોણાર્ક, દેલવાડા વગેરે મંદિરોની શિલ્પકળા મનઃચક્ષુ આગળ ખડી થાય છે.
જ્ઞાન ભંડારો : જેસલમેર તેની હવેલીઓ, મહેલાતો, મંદિરો, સ્થાપત્ય અને શિલ્પકળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ, કિલ્લાઓ અને સરોવરો માટે માત્ર જાણીતું નથી. તે તેના જ્ઞાન ભંડારોમાં પ્રાચીન તાડપત્રીય અને
૯૮