________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
પ્રમાણે એકસાથે એક ઉપવાસ કે તેથી વધારે બે, ત્રણ, ચાર, છ, આઠ કે મહિના બે મહિના પણ ઉપવાસ કરી શકે છે.
એક સાથે ઝાઝા ઉપવાસ કરી શકાય નહિ તેથી અનેક રીતે આંતરા પાડીને પારણું કરીને લાંબો વખત ઉપવાસ કરવામાં આવે છે. તેમાં સૌથી વધારે પ્રચલિત રીત વરસીતપની છે.
ભગવાન ઋષભદેવને દીક્ષા લીધી પછી પહેલી ભિક્ષા એક વર્ષે મળી હતી એટલે ભગવાનને એક વર્ષના ઉપવાસ થયા હતા. તેને અનુસરીને વ૨સીતપની પ્રણાલિકા શરૂ થઈ છે. આજના મનુષ્ય એકી સાથે એટલી બધી લાંબી મુદત સુધી અનાહારી રહી શકે નહિ. તેથી એકાંતરા ઉપવાસ કરી વરસીતપ કરવામાં આવે છે.
પરંતુ હાલમાં તો વરસીતપ એ કર્મક્ષયના સાધનને બદલે ફક્ત એક વ્યવહાર રૂપે થઈ ગયો છે. વરસી તપ એક જ નહિ પણ અઠાઈ વગેરે વધારે દિવસના ઉપવાસના તપ બધાયમાં વ્યવહારનું બંધન થઈ ગયું છે કે પારણા વખતે તપ ઉજવી શકાય તો જ તપ થઈ શકે. આ ઘણી જ ખોટી વ્યવહારિક માન્યતા છે.
તપ ઉજવવાના માની લીધેલા વ્યવહારિક બંધનને લીધે ઘણા સામાન્ય કે ગરીબ સ્થિતિના શ્રાવક શ્રાવિકાઓ હૃદયેચ્છા હોવા છતાં તપ કરતાં અટકી જાય છે. કારણ કે તપ ન ઉજવી શકાય તો લોકાપવાદનો મોટો ડર છે. આ લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે લોકોમાં વાહવાહ કહેવરાવવા માટે તપ કરવામાં નથી આવતો પણ કર્મની નિર્જરા માટે તપ કરવામાં આવે છે માટે તપ ઉજવવાના વ્યવહારિક બંધનથી તપ કરતાં અટકવું નહિ.
વળી કેટલાક લોકોમાં તપસ્વી તરીકે પોતાની નામના થાય, પ્રશંસા થાય તે માટે તપ કરે છે. તેમણે યાદ રાખવું જોઈએ કે, પ્રશંસાનો મોહ કે આકાંક્ષા રાખવાથી તપનું અમુલ્ય ફળ ગુમાવી બેસાય છે.
તપની નિર્વિઘ્ને પૂર્ણાહુતિ થાય તે આનંદનો વિષય છે અને તપસ્વીના તે આનંદમાં સર્વ સગાસંબંધીઓએ ભાગ લેવો એ પણ સુકૃત્ય છે. તપસ્વીની અનુમોદના પ્રશંસા કરવી એ પણ ધર્મની અનુમોદનાનું કાર્ય છે.
અમુક દિવસના ઉપવાસવાળા તપ ઉપરાંત ઉપવાસના દિવસની સંખ્યા અમુક નિયમથી ચડતી ઉતરતી કરીને અનેક જાતના તપ બતાવેલા છે. જેમકે રત્નાવળી તપ, કનકાવલી તપ, મુક્તાવલી તપ, સિંહ વિક્રીડિત તપ, ભદ્રતપ, મહાભદ્ર તપ, સર્વતોભદ્ર તપ, ભદ્રોત્તર તપ વગેરે.
પાશ્ચાત્ય કેળવણીને અનુસરનારાઓ આજકાલ એવી ગેરસમજુતી ફેલાવે છે, એવા ભ્રમ ફેલાવે છે કે ઉપવાસ એ ફક્ત આરોગ્ય પ્રાપ્ત કરવા માટે જ કરવાનું ફરમાવેલું છે. આ મોટી ભૂલ છે.
૧૧૨