________________
ત્રણ મંત્રની માળા
૬૩૭
શરૂઆતથી તર્કશાળી ખૂબ હતા. તેમણે કહ્યું કે એક બાજુ તમે એમ કહો છો કે ગુરુ મહાવ્રતધારી, સમિતિવાળા અને પ્રમત્ત-અપ્રમત્ત દશાવાળા, નિગ્રંથ, રત્નત્રયધારી, નગ્ન દિગંબર હોય અને તમે તો વસ્ત્ર પહેરો છો, તો તમે નિગ્રંથગુરુ ખરા કે નહીં ? તો કાનજીસ્વામીએ કહ્યું કે, જે મોક્ષમાર્ગમાં નિગ્રંથગુરુ છે એમાં હું નહીં. બાહ્ય-અત્યંતર મુનિ જે ‘અપૂર્વ અવસ૨' માં મૂક્યા છે તે નિગ્રંથગુરુ છે. હું અમુક ગુણસ્થાનકમાં છું અને એ પ્રમાણે હું મારું જીવન જીવું છું અને બીજાને તત્ત્વનો યથાર્થ બોધ આપું છું. એટલે બહુ બહુ તો શિક્ષાગુરુ, ઉપકારી ગુરુ કહે તો વાંધો નહીં, નિગ્રંથગુરુમાં હું નહીં. એ વાત એમણે ‘જૈન ગેઝેટ’ માં લખીને બહાર પાડેલી છે. જો આનું નામ નીડરતા કહેવાય. અજ્ઞાની જીવને કોઈ જેટલા ઊંચા ગુરુ માને તેટલી તેમને અંદરમાં મીઠાશ વેદાય. પરમકૃપાળુદેવે પત્રાંક - ૭૦૮ માં એમ કહ્યું કે, ‘હું તમારો ગુરુ અને તમે મ!રા શિષ્ય આવો ભાવ હજી સુધી મેં ક્યાંય પ્રદર્શિત નથી કર્યો.’ વિચાર કરો, આટલી જ્ઞાનદશા, એકાવતારી પુરુષ છતાં નિગ્રંથ પરિપાટીને કેટલી જાળવી રાખી ! એમણે જોયું કે અત્યારે હું ગુરુ તરીકે ધુસીશ તો લોકો મને માનશે તો એમાં બહુ વાંધો નથી, પણ મારી પાછળ પરંપરાની અંદર આ પરિપાટી તૂટીને ગૃહસ્થોને, શ્રાવકોને ગુરુ માનશે.
આપણને દેવ, ગુરુ, ધર્મનો નિર્ણય કરાવ્યો. આ પણ એક વ્યવહાર સમકિત છે. દંઢ નિર્ણય હોવો જોઈએ. ઊંઘમાં પણ ફરવો જોઈએ નહીં અને શાસ્ત્રસંમત હોવો જોઈએ. દરેક જ્ઞાનીઓએ માન્ય કરેલું હોવું જોઈએ, આપણી કલ્પનાથી ને સ્વચ્છંદથી કે મતથી નહીં. સિદ્ધાંત શું કહે છે ? આગમ શું કહે છે ? પૂર્વના આચાર્ય ભગવંતો શું કહે છે ? વર્તમાનના જ્ઞાનીઓ શું કહે છે ? ત્રણે કાળના જ્ઞાનીઓનો એક જ મત આવશે અને એક કાળના અનેક અજ્ઞાનીઓના જુદા જુદા મત આવશે. પુણ્યનો ઉદય અને કોઈને હજા૨ માનનારા હોય, કોઈને લાખ માનનારા હોય તો એથી શું થઈ ગયું ? પુણ્યનો ઉદય એ અલગ વસ્તુ છે. તો, ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ’ મંત્ર આપ્યો, એટલે આપણને દેવ, ગુરુ, ધર્મનો નિર્ણય કરાવ્યો. આ વ્યવહાર સમકિત છે. જો આ મંત્રમાં કેટલો મર્મ સમાયેલો છે કે આવા વીતરાગ દેવ અઢાર દોષથી રહિત હોય તે સાચા દેવ, એના સિવાય બીજા કોઈ સન્દેવમાં આવે નહીં.
આનંદ કે કંદ જાકો, પૂજત સુવિંદ વૃંદ, ઐસો જિનરાજ છોડ, ઓર કો ન ધ્યાઈએ.
- શ્રી હરખચંદજી કૃત શ્રી ઋષભજિન સ્તવન