________________
ત્રણ મંત્રની માળા.
૬૩૩ આત્માનું કલ્યાણ કરવું છે એને આખી પૃથ્વી છોડવી પડે તોય કંઈ બહુ મોટું નુક્સાન નથી. આત્મા છૂટી જાય તો મોટું નુક્સાન છે, એ ગણિત આપણને બેસતું નથી. સમજાતું નથી કે આનાથી કેટલું નુક્સાન છે! એક સમયનો વિભાવ કેટલું નુક્સાન કરાવે છે અને એમાંય આ બધા વિભાવો તો અશુભ પ્રકારના છે. મોટાભાગના સંસારી અજ્ઞાની જીવોના વિભાવો અશુભ ભાવમય હોય છે, પાપભાવમય હોય છે. તમને એની ખબર પડે કે ના પડે પણ મોટાભાગના જીવોને આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા – એ ચારેય પાપની સંજ્ઞાઓ હોય છે. જગતના મોટાભાગના જીવોના પરિણામ આ ચાર સંજ્ઞાઓના જ ચાલતા હોય છે અને ખબર પણ નથી પડતી કે આનાથી મારું અહિત થાય છે. વિભાવ દ્વારા, અશુભ ભાવ દ્વારા આપણને આનંદ આવે છે, પણ એ આત્માનું એટલે કે સમ્યફજ્ઞાન-દર્શન-ચારિત્રનું ખૂન છે. માટે વારંવાર પરમકૃપાળુદેવે આપેલા ત્રણ મંત્રમાં ઉપયોગને રમાડો. આમ તો એક મંત્ર પણ બહુ છે, પણ આપણી યોગ્યતા નથી કે એક જ મંત્રમાં મનને સ્થિર રાખી શકીએ, એટલે આપણને ત્રણ મંત્રો આપ્યા અને તેમની ઓળખાણ આપી. પરમગુરૂ નિગ્રંથ સર્વજ્ઞદેવ. પરમગુરુ કેવા છે? તો કે, “નિગ્રંથ સર્વજ્ઞ દેવ.' પાંચે પરમગુરુ નિગ્રંથ છે, અરિહંત અને સિદ્ધ ભગવાન સર્વજ્ઞ છે, પૂર્ણ જ્ઞાની છે તથા એ પાંચેય પદ આત્માના પદ છે. પાંચેય પરમગુરુ આત્મસ્વરૂપે છે, સહજાત્મસ્વરૂપ છે અને હું પણ સહજાત્મસ્વરૂપી છું. પરમકૃપાળુદેવે કહ્યું છે,
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; - લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ આમાં બધાય તીર્થો આવી જાય છે, શાસ્ત્રો આવી જાય છે, અને સર્વ પ્રકારની સાધનાનો પણ સમાવેશ થઈ જાય છે. સામાયિક લઈને બેસો શાંતિથી. અત્યારે તો મોટી ઉંમરના માજીઓ કે કાકાઓએ નિયમ લીધો હોય એટલે સામાયિકમાં બેસે, પણ એવી રીતે બેસે કે ટી.વી. દેખાય, ઘરના બારણામાંથી કોઈ આવતું હોય તો એ પણ દેખાય અને ઘરમાં નોકરો શું કામ કરે છે ત્યાં પણ નજર રહે - થ્રી ઈન વન ! કૃપાળુદેવના શતાવધાન હતા, આના ત્રણ અવધાન સાથે ચાલે ! ખરેખર તો, બાજુમાંથી સાપ નીકળી જાય તો પણ ખબર ના પડે એવી એકાગ્રતા જોઈએ. આજુબાજુ શું ચાલે છે? કેટલા વાગ્યા છે? બહુ ઠંડી છે, બહુ ગરમી છે – આમાં ઉપયોગ લગાડશો તો મંત્રમાં ઉપયોગ સ્થિર નહીં થાય. આ પ્રમાણે મંત્રના માધ્યમથી આપણે ઉપયોગને ઘર ભેગો કરવાનો છે.