________________
છ પદનો પત્ર
૬૦૧
પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. પરમાવગાઢ એટલે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી આ માર્ગે પડવાનાં ઘણાં સ્થાન રહ્યાં છે. સંદેહ એટલે અનેક પ્રકારની શંકા, કુશંકા. આવું હશે કે નહીં હોય ? આ જ્ઞાનીએ આમ લખ્યું છે, બીજા જ્ઞાનીએ આમ લખ્યું છે, એકની એક વાત અનેક શાસ્ત્રમાં જુદી જુદી પદ્ધતિથી બતાવી હોય છે. હવે એ સાપેક્ષપણામાં લખેલી વાત પોતાની યોગ્યતા ના હોય એટલે ના સમજાય. એટલે એની ખતવણી ઊંધી થઈ જાય. એટલે અનેક પ્રકારના સંદેહ રહ્યા કરે.
જૈન ધર્મ સાચો કે આ બીજા ધર્મો પણ સાચા કે બધાય સાચા ? બધાય આત્માની જ વાત કરે છે.’ આમ જેટલો ક્ષયોપશમ વધારે તેટલા વિકલ્પો વધારે. જેટલો જ્ઞાનનો ઉઘાડ વધારે હોય તેટલા વિકલ્પ વધારે. પોતાની કલ્પના અનુસાર ચાલવું, પણ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ન ચાલવું એનું નામ સ્વચ્છંદતા. અતિપરિણામીપણું, એટલે જે વસ્તુ પોતે પકડી છે તેને અનેક પ્રકારના તર્ક દ્વારા દૃઢ કરી, એવું ઘુંટણ કરે છે કે સામે જ્ઞાનીનો યોગ થાય અને જ્ઞાનીનો બોધ પ્રાપ્ત થાય તો પણ જીવ પોતાની માન્યતા કે પકડ છોડે નહીં. આ બધા કારણો જીવને માર્ગેથી પડવાના હેતુ થાય છે. આવા તો બીજા અનેક કારણો છે, જે તેને ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી.
હવે ક્રિયામાર્ગ. અત્યારે ચારેબાજુ ક્રિયાઓનું જોર ઘણું છે. અસ ્અભિમાન એટલે ખોટું અભિમાન કે મેં આટલા તપ કર્યા, આટલા ત્યાગ કર્યા ને આટલી ક્રિયાઓ કરી. મિથ્યાત્વ સહિત જે કંઈ ક્રિયાઓ છે તે અહંકારનું કારણ થઈ જાય છે. જીવ રાત્રિભોજન ના કરતો હોય તો તેનું પણ તેને અભિમાન થઈ જાય છે. ‘તમે પર્યુષણમાં પણ રાત્રે ખાવ છો ? અમે તો ચાલુ દિવસમાં પણ ના ખાઈએ.' ન ખાવ તે ઉત્તમ છે, પણ નહીં ખાવાનો અહંકાર ખોટો છે. અજ્ઞાનપૂર્વક ક્રિયાઓ ચાલે છે. એટલે અનેક પ્રકારના વ્યવહારના આગ્રહો જીવને હોય છે. જે પોતાની માન્યતા હોય એવો વ્યવહાર બીજા કરતા હોય તો તે સાચા, ના કરતાં હોય તો ખોટા. ભગવાનનું ચૈત્યવંદન કરે તો ડાબો પગ ઊંચો કરીને ગાય. બીજો કોઈ ડાબો પગ ઊંચો ના કરે તો પેલો ચૈત્યવંદન કરનારો અંદરમાં બળ્યા કરે, એના વિષે સંકલેશ પરિણામ કર્યા કરે. હવે પગ ઊંચો રહે કે નીચો રહે, પણ પરિણામ ઊંચા-નીચા થાય તો ના ચાલે.
પરમકૃપાળુદેવે વોહરાજીનું એક દૃષ્ટાંત આપ્યું છે. વોહરાજી એક ગાડામાં માલ ભરીને જતાં હતા. માલને દોરડાથી ફીટ બાંધ્યો હતો. ગાડાવાળાએ વોહરાજીને કહ્યું કે ક્યાંક ઘાંચ આવે તો નાડું બરાબર પકડજો. હવે, આગળ જતાં ઘાંચ આવી અને વોહરાજી પડ્યા. એટલે