________________
૫૩૩
છ પદનો પત્ર
જે સમયે કષાયરહિત થયો એ જ સમયે શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ છે. જે સમયે સંપૂર્ણ કષાયથી રહિત એ જ સમયે સંપૂર્ણ વીતરાગતા સહિત કેવળજ્ઞાન. સમયભેદ નથી આમાં. બસ તમારી વારે વાર. આ બાજુ કષાયથી રહિત થાઓ અને આ બાજુ અનંતુ સુખ અને વીતરાગતાને લો. હવે કષાય ઘટાડવાનો પુરુષાર્થ તો આપણે કરવાનો છે. જ્ઞાનીઓએ તો આપણને થિયરી બતાવી, પણ પ્રેક્ટિકલ પુરુષાર્થ આપણે કરવાનો છે. રોટલી બનાવવાની થિયરી તમને કોઈ શિખવાડે, પણ ઘરે જઈ કંઈ ભૂલ કરો તો રોટલી બરાબર થશે નહીં. એમ અહીં તમને બધું શિખવાડ્યું છે અને જો ભૂલશો તો એનું ફળ નહીં આવે અને બરાબર એ પ્રમાણે ક્રિયા કરી તો જેમ રોટલી બરાબર થાય એમ કષાયનો પણ નાશ થયા વિના રહેતો નથી.
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ના કાંઈ.
— શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૪, ૧૨૮
છઠ્ઠું પદ :- તે ‘મોક્ષનો ઉપાય છે.’ જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્ત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.
બહુ સરસ પ્રયોજનભૂત વાત આમાં બતાવવામાં આવી છે કે જે કર્મના આસ્રવ છે તે સંવરના કારણો પણ છે. આસ્રવના કારણોથી વિપરીત કારણો સંવરના છે. સંવરના કારણો કયા કયા છે ? મોક્ષનો સાચો ઉપાય શું છે ? પરમકૃપાળુદેવે ચૈત્ર સુદ તેરસનો વરઘોડો નીકળ્યો ત્યારે કહ્યું હતું કે ઓ! દુષમકાળના દુર્ભાગી જીવો ! તમે મોક્ષનો ઉપાય કયો સમજી અને ક્યાં દોડો છો ? મોક્ષનો ઉપાય છે ક્યાં ? અને વરઘોડાની ધામધૂમમાં તમે દોડો છો ? કયો સમ્યક્ પુરુષાર્થ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય ? આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ થાય ? એનો સચોટ ઉપાય આમાં બતાવ્યો છે કે મોક્ષનો ઉપાય તો આ છે, બીજો કોઈ નથી - જ્ઞાન, દર્શન અને સંયમ. તત્ત્વાર્થસૂત્રના પહેલા સૂત્રમાં કહ્યું છે, સમ્ચવર્શનજ્ઞાનપારિત્રાણિ મોક્ષમાર્ગ: । ત્રણે કાળ અને