________________
૪૬૪
છ પદનો પત્ર
પામી ગયા કે એમનું અસ્તિત્વ રહ્યું ? અસ્તિત્વ તો રહ્યું છે ને. દુનિયામાં એકપણ આત્મા નવો ઉત્પન્ન થતો નથી અને જે આત્મા છે એમાંથી એકનો નાશ પણ થતો નથી. એક સમય તે સૌ
સમય ભેદ અવસ્થા જોય. જે અત્યારે એક સમયમાં સત્ છે તે ત્રણે કાળમાં સત્ હોય. જેમ કે, એક નદી સમુદ્રને મળે છે અને જ્યાં મળે છે એ પ્રવાહ આગળ તમે ઊભા ઊભા જુઓ છો કે નદી સમુદ્રને મળી રહી છે. તેના ઉપરથી આખી નદીનું જ્ઞાન તમે કરી શકો છો કે ત્યાંથી નીકળી અને અહીં સુધી એ અખંડપણે ચાલી આવી છે. કોઈ જગ્યાએ એનો પ્રવાહ તૂટ્યો નથી. કેમ કે, તે અહીં છે. એ જ બતાવે છે કે જ્યાંથી નીકળી ત્યાંથી અખંડ છે. નહીં તો અહીં સુધી પહોંચી શકે નહીં. એમ વર્તમાન સમયે જે સત્ની હયાતિ છે તે બતાવે છે કે અનાદિકાળ પહેલાં તે સત્ હતું અને અત્યાર સુધી છે તો પછી કાયમ રહેવાનું છે.
જો તૂટવાનું હોત તો વચમાં ગમે તે યોનિમાં - નિગોદમાં કે નરકમાં કે એકેન્દ્રિયમાં કે બેઈન્દ્રિયમાં તૂટી ગયું હોત. વર્તમાનમાં આ દેહમાં આત્મા હયાત છે એ બતાવે છે કે અનાદિકાળ પહેલા પણ તે હતો. માટે અત્યાર સુધી છે. અત્યારે ઉત્પન્ન થઈ ગયો નથી. પૂર્વનો અનુત્પન્ન આત્મા છે. અત્યારે છે તો ભવિષ્યકાળમાં અનંતકાળ ગયા પછી પણ તેની હયાતિ રહેવાની છે. ‘આત્મા નિત્ય છે.' આપણી વાત ચાલે છે કે હું આત્મા નિત્ય છું. ત્રણે કાળમાં મારું અસ્તિત્વ રહેવાનું છે. અત્યારે હું કોઈના ભાઈ રૂપે, કોઈની બહેન રૂપે, કોઈની સ્રી રૂપે, કોઈના પુત્ર તરીકે આવ્યો છું. પણ આત્મા અનુત્પન્ન છે. આત્માને કોઈ માતા નથી. આત્માને કોઈ પિતા નથી. આત્માને કોઈ ભાઈ નથી. આત્માને કોઈ બહેન નથી. આત્માનો માત્ર આત્મા જ છે, બાકી કોઈ નથી. મૂળ દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય તો વૈરાગ્ય થાય. સાચો વૈરાગ્ય ત્યારે થાય કે મૂળ દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય કે આ આત્માનું આ જગતમાં એક અણુ પણ છે નહીં. જે સંબંધ છે તે તો બધા દેહના છે.
શ્રી પ્રવચનસારમાં આચાર્ય શ્રી કુંદકુંદદેવે ચરણાનુયોગ ચૂલિકાની શરૂઆતમાં કહ્યું છે કે, આ દેહના જનક ! તમે ખરેખર આ આત્માના પિતા નથી, પણ તમે આ દેહના પિતા છો. પણ, હવે મારો આ આત્મા અનાદિકાળનો પરિભ્રમણ કરતા હવે જાગી ગયો છે. માટે મને સંસારથી વૈરાગ્ય થયો છે અને આ આત્માનું અનાદિનું ધામ, તેને પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગ કરીને જઈ રહ્યો છું. માટે આપ મને રજા આપવાનો અનુગ્રહ કરો, કૃપા કરો. એમ કરી પુત્ર પિતા પાસે માંગણી કરે છે. તેવી જ રીતે કુટુંબીઓ પાસે જાય છે અને કહે છે કે, તમે આ શરીરના સંબંધી છો, આત્માના સંબંધી નથી.