________________
૧૭૯
શું સાધન બાકી રહ્યું ? છરીથી મર્યા છે, પણ એકને બચાવવાનો ભાવ હતો ને મર્યો છે અને બીજાને મારવાનો ભાવ હતો ને મર્યો છે. ત્યાં બંનેના આશયમાં તફાવત પડ્યો. તો, પરિણામ પ્રમાણે બંધ-મોક્ષની વ્યવસ્થા છે. આ ગુરુગમ છે.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી અને એહ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૮ એકના એક સાધન ગુરુગમપૂર્વક થાય છે તો મોક્ષના કારણે થાય છે અને એના એ જ સાધન ને સાધના સ્વચ્છેદથી થાય તો આગ્નવ-બંધનું કારણ ને પરિભ્રમણનું કારણ થાય છે. સાધન એકનું એક છે. એક જ ચપ્પાથી રક્ષણ થાય છે ને ભક્ષણ પણ થાય છે. એક ઉપયોગથી ભક્ષણ પણ થાય છે અને એક ઉપયોગથી રક્ષણ પણ થાય છે. ઉપયોગ એક જ છે, એ અશુદ્ધ છે કે શુદ્ધ એટલું જ જોવાનું છે. તો, અજ્ઞાની અજ્ઞાન અવસ્થામાં જે અનેક પ્રકારની આરાધના, તપ, ત્યાગ, ધ્યાન, સ્વાધ્યાય, ચિંતન કરે છે, તેને ધર્મ માને છે અને મોક્ષનું કારણ માને છે. એના કારણે એ જીવ એ સાધન કરતો હોવા છતાં પણ મિથ્યાત્વને ગાઢું કરે છે અને સામાન્ય પુણ્ય બાંધે છે. જ્યારે તેને કોઈ જ્ઞાની મળે છે, અને તેમના ઉપર શ્રદ્ધા થાય છે, અર્પણતા થાય છે ત્યારે તેઓ કહે છે કે ધર્મ એ તો તારો સ્વભાવ છે. તારું મૂળ સ્વરૂપ જ ધર્મ છે.
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૧૬
- વત્યુ સહાવો ધમ્મો વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ છે. આત્માનો સ્વભાવ એ જ આત્માનો ધર્મ છે, નિશ્ચય ધર્મ છે. આત્માના અનંત ગુણો છે – દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેરે. દરેકનો અલગ અલગ આશ્રય કરવાથી મોક્ષ નથી થતો. કેમ કે, એક એક ગુણ અલગ અલગ છે. પણ બધાંય ગુણોનો અભેદ આત્મા, અખંડ આત્માનો આશ્રય કરવાથી અવસ્થામાં રત્નત્રયની પર્યાય પ્રગટ થાય છે, તેનું નામ ધર્મ છે. નિશ્ચયધર્મમાં નિર્વિકલ્પતા છે, વ્યવહારધર્મમાં સવિકલ્પતા છે. સવિકલ્પ ધર્મ કરે એનો નિષેધ નથી, પણ તેમાં મોક્ષમાર્ગ માનવો તેનો જ્ઞાનીઓ નિષેધ કરે છે. જ્ઞાનીઓ પુણ્યનો નિષેધ નથી કરતા, પણ પુણ્યમાં મોક્ષમાર્ગ માનવો તેનો નિષેધ કરે છે.