________________
શું સાધન બાકી રહ્યું ?
૧૫૯ નિર્વિકલ્પપણે આત્મા નજરાય એનું નામ ધર્મ છે, તેના બદલે જીવ બહારમાં અનેક પ્રકારના વિભાવો દ્વારા, શુભાશુભ ભાવો દ્વારા, શુભ ક્રિયાઓ દ્વારા ધર્મ કરે છે અને તેને તે મોક્ષમાર્ગ માને છે, તેનું નામ જ મિથ્યાત્વ છે. કરવાનો નિષેધ નથી, પણ મોક્ષમાર્ગ માને તેનો નિષેધ છે. ભૂમિકા નથી તો કરવું તો પડશે. જ્ઞાનીઓ પણ કરે છે, અજ્ઞાનીઓ પણ કરે છે.
જ્ઞાનીઓ રત્નત્રયની અભેદતા, શુદ્ધ ઉપયોગ સિવાય કોઈને મોક્ષમાર્ગ માનતા નથી. જ્ઞાનીની આ દઢ પકડ છે. પછી તેને કોઈની સાથે કાંઈ વાદ-વિવાદ નહીં થાય, રાગ-દ્વેષ નહીં થાય, અપસેટ નહીં થાય કે આનંદિત પણ નહીં થાય. તો કોઈ અનુકૂળ વત્યું કે પ્રતિકૂળ વત્યું, એનું કાર્ય એનામાં થયું છે, તમારામાં કંઈ થયું નથી. તમે કેમ અપસેટ થયા? દર્પણની અંદરમાં તમારી મૂછનો વાળ ધોળો દેખાયો તો દર્પણને તમે ઉખાડશો કે વાળને ઉખાડશો? દર્પણ તો તમને દેખાડનારું છે. એમ આત્મા “સકલ યજ્ઞાયક તદપિ, નિજાનંદ રસલીન' એવો છે. તમારી અંતરંગ શાંતિ ક્યાંય નહીં હણાય. દુનિયામાં ગમે તેવા બનાવો બનશે, ઘરમાં બનશે, દેહમાં બનશે, પ્રતિકૂળતાઓ આવશે, અશાતાના ઉદય આવશે, શાતાના ઉદય આવશે, પાપના ઉદય આવશે, પુણ્યના ઉદય આવશે, દરેકમાં તમને શાંતિ રહેશે. ગમે તેવું બન્યું તો તેનાથી આત્માને શું લાભ કે નુક્સાન? કે ના બન્યું તો આત્માને શું લાભ કે નુક્સાન? “મેવાડ કી રાની કો લડકા હુઆ તો ભી આનંદઘન કો ક્યા? ઔર ન હુઆ તો ભી આનંદઘન કો ક્યા?'
તેમ કોઈ આવ્યું કે ગયું, જે બન્યું તે બન્યું તમારે શું નિસ્બત છે? તમે તમારા ઘરમાં રહો. ઘરમાં ના રહો અને બહાર નીકળી ગયા તો પછી જેવા વિકલ્પ થશે તેને અનુરૂપ નુક્સાન ચાલુ.
તળાવમાં એક કાચબો પાણી પર તરતો હતો. મોટું બહાર અને શરીર પાણીમાં એ રીતે તરે. તો ઉપરથી સમડી, કાગડા ને બીજા પક્ષીઓ તેને ચાંચ મારે. કાચબો અંદરમાં મુંઝાય કે આ બધા મને મારી નાંખશે. બહુ ચાંચ મારે છે. આઠ-દસ પક્ષીઓ વારાફરતી મારતા જ જાય. હવે કાચબા પાસે પાણીમાં ડૂબકી મારવાની એક કળા હોય છે. જો પાણીમાં ડૂબકી મારે તો ભલે ને પાંચસો પક્ષીઓ હોય તોય તેનું કંઈ નુક્સાન કરી શકવાના નથી. એક ડૂબકી મારી લે તો બસ. એમ બહારમાં ગમે તેવા ઉદય હોય - ઉપસર્ગ હોય, પરિષહ હોય, નિમિત્ત હોય, તમે ઉપયોગ દ્વારા તમારા સ્વરૂપમાં ડૂબકી મારી અને અંદરમાં દેઢ પકડ કરી નાંખો કે સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય.