________________
૧૫૬
શું સાધન બાકી રહ્યું ? ધર્મ કરતા હોવા છતાં પણ ચાલુ જ છે. મોટા ભાગના સાધકની આ વાત ચાલે છે. અજ્ઞાની સંસારી જીવની તો વાત જ નથી. એ તો બહુ છેટો છે. આ અહંપણું, મમત્વપણું ખસ્યા વગર આત્મદર્શન થઈ શકે નહીં. પરમાંથી જ્યાં સુધી જીવનો ઉપયોગ પાછો ફરે નહીં, ઉપયોગ સ્વમાં કેન્દ્રિત થાય નહીં, ત્યાં સુધી તેને કાર્યની સિદ્ધિ બની શકતી નથી, પછી તે ગમે તે હોય. સિદ્ધાંત બધા આત્માઓ માટે સરખો જ હોય છે. સિદ્ધાંતમાં કોઈનાત, જાતને કે ધર્મના વાડાઓ હોતા નથી. સિદ્ધાંત એ સિદ્ધાંત છે. તો આ અહંપણું, મમત્વપણું, ઘણા શાસ્ત્રો વાંચ્યા તો પણ નીકળ્યું નહીં. અનેક નયનું જ્ઞાન કર્યું, ત્યારે અનુયોગોના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, નિશ્ચયનયનો અભ્યાસ કર્યો, વ્યવહારનયનો અભ્યાસ કર્યો અને નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની એ વાતને ઘણી પકડી, છતાં કામ થયું નહીં.
તો, નિશ્ચયનય, શુદ્ધ નિશ્ચયનય કે કોઈ પણ નવનિલેપ કે પ્રમાણ ઉપાદેય નથી. ઉપાદેય તો શુદ્ધ આત્મા છે. પરમશુદ્ધ નિશ્ચયનયનો વિષય ત્રિકાલી શુદ્ધ ધ્રુવ આત્મા છે. તો નિશ્ચયનયનો સાચો આશ્રય ત્યારે થયો કહેવાય જ્યારે નિશ્ચય છૂટી જાય અને ઉપયોગ આત્મામાં જાય. હું આંગળી વડે તમને સામેની ધજા બતાવું કે પેલી ધજા છે. હવે તમે આંગળીને પકડી લો તો ધજા દેખાય નહીં. આંગળીને જ્યાં ચીંધી છે એના લક્ષ્ય પર તમે નજર કરશો તો પેલી ધજા છે એ તમને દેખાશે..પણ જીવ આંગળી જ છોડતો નથી. અરે! આંગળી નથી પકડવાની, પણ આંગળી જે દિશા બતાવે છે તે દિશાની ધજાને પકડવાની છે. એમ શાસ્ત્ર જે આત્માને બતાવવા માંગે છે તે આત્માને ઉપયોગમાં પકડ, તો આત્મા દેખાશે. આમ, શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, પણ સમ્યકજ્ઞાનથી નિવેડો છે. ક્ષયોપશમ જ્ઞાનથી નિવેડો નથી, પણ આત્મજ્ઞાનથી, સમ્યગુજ્ઞાનથી, સ્વસંવેદન જ્ઞાનથી નિવેડો છે. સ્વસંવેદન જ્ઞાન વગર કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં. કોઈ જીવ સમ્યગદર્શનને પ્રાપ્ત કરી શકે નહીં અને સ્વસંવેદન સ્વરૂપના આશ્રય વગર થાય નહીં. પરના આશ્રયે સ્વસંવેદન થાય નહીં. આટલી વાત પકડીને તમે સાધના કરો તો ક્રમે કરીને તમે ધીમે ધીમે પણ પહોંચી જશો. ભલે ધીમું ચાલતા હશો પણ દિશા સાચી હશે તો લક્ષની પ્રાપ્તિ થશે. દિશા ઊંધી હશે ને તમે ગમે તેટલું દોડતા હશો તો પણ કાર્યની સિદ્ધિ નહીં થાય. વસ્તુ જયાં છે ત્યાં તમારો ઉપયોગ જશે તો વસ્તુ તમારા ઉપયોગમાં નજરાશે. જ્યાં વસ્તુ નથી ત્યાં ઉપયોગ તમે ગમે તેટલો લઈ જશો, પણ કાર્યની સિદ્ધિ નહીં થાય. ભગવાનની મૂર્તિ કે સાક્ષાત્ તીર્થકર બિરાજમાન છે. એમાં દષ્ટિ રાખો, એમના દેહને જુઓ, એમની દિવ્યધ્વનિ સાંભળો, એ બધાં બાહ્ય નિમિત્તો છે. એ બાહ્ય નિમિત્તોમાં ઉપયોગ રાખવાથી કામ ના થાય.