________________
૧૦૬
ભક્તિના વીસ દોહરા
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું છે કે સદ્ગુરુની કૃપા એ જ સમ્યકત્વ છે. પણ કૃપા થાય ક્યારે ? એવી પાત્રતા આવે ત્યારે તમે કાંઈ કરોડના ઢગલા કરો એટલે કૃપા ના થઈ જાય. એ ગુરુકૃપા માટે સર્વ પ્રકારનો વિનય જરૂરી છે, નમ્રતા જરૂરી છે. પોતાના દોષો જણાશે નહીં ત્યાં સુધી તમે એ દોષોને કાઢી શકવાના નથી અને દોષો નહીં નીકળે ત્યાં સુધી આત્માનું કાર્ય પણ બની શકવાનું નથી. દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય?
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત - પત્રાંક - ૧૦૫ “મહાવીરના બોધને પાત્ર કોણ?' માં કહ્યું છે કે જયારે સ્વદોષ દેખે ત્યારે ઉપયોગપૂર્વક છેદનાર. બીજાના દોષો દેખાય છે પણ પોતાના દોષો દેખાતા નથી. આપણી પાસે એવું બાયનોક્યુલર (દૂરબીન) છે કે બીજાનો રાઈના દાણા જેટલો દોષ હોય તો મેરુ પર્વત જેટલો અને પોતાનો મેરુ પર્વત જેટલો દોષ હોય તો રાઈના દાણા જેટલો દેખાય છે! ગુણવાન જીવોની પાસે રહો તો આપણને આપણા દોષો ખ્યાલમાં આવે કે આ દોષ તો આપણામાં છે. એવા ગુણો જેને પ્રગટ્યા હોય એના સંગમાં રહો તો ખ્યાલ આવે કે આ ગુણો હજી મારામાં નથી પ્રગટ્યા. જ્ઞાની પુરુષો જ્યારે દોષોનું વર્ણન કરે ત્યારે સમજવું કે એ દોષો આપણે કાઢવાના છે અને તેના પ્રતિપક્ષી ગુણો આપણે લાવવાના છે. ધારો કે જ્ઞાની ક્ષમાનું બહુ વર્ણન કરે ત્યારે સમજવું કે ક્રોધને ઘટાડવાનો છે. ક્ષમાનું વર્ણન કરે એટલે સમજી જવાનું કે હવે એનો પ્રતિપક્ષી જે દોષ છે તેને કાઢવાનો છે. જ્ઞાની પુરુષોનો અભિગમ વિધેયાત્મક હોય છે, નિષેધાત્મક હોતો નથી.
દોષ જોયા પછી દોષ ખૂંચવા જોઈએ. જેમ પગમાં કાંટો વાગ્યો હોય અને પછી તૂટી ગયો હોય અને ખૂંચે તો તમે ગમે તેટલા અગત્યના કામો પણ મૂકીને પ્રથમ કાંટો કાઢશો. તેમ દોષ ખૂંચશે તો તમે કાઢશો. આજ દિન સુધી આપણે દોષને છાવર્યા છે, કાઢ્યા નથી. બીજાનો જ વાંક કાઢ્યો છે. “શું કરીએ સાહેબ? આ આવું કરે તો ગુસ્સો ના આવે? એમણે આમ કર્યું એટલે મને ગુસ્સો આવ્યો.” ભલે કોઈએ ગમે તેમ કર્યું, પણ બીજાના કોઈપણ પ્રકારના વર્તનથી તને ગુસ્સો આવ્યો એ અજ્ઞાનતાની નિશાની છે. બીજો ગમે તે કરે એમાં તને શું નુક્સાન થયું? તારા આત્માને શું નુક્સાન થયું? બસ, મારું કીધું થવું જોઈએ. મેં આમ કીધું ને આણે કેમ આમ ના કર્યું એટલે મને ગુસ્સો આવ્યો. આવો અભિગમ રાખીશ તો આખી જિંદગી સુધી તને ગુસ્સો જ આવવાનો છે. તારો ગુસ્સો ટાઢો પડવાનો નથી.
ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ - આ બધા કાંટાઓ છે - એ ખૂંચવા જોઈએ. પરંતુ પોતાનું નિરીક્ષણ કરે તો ખબર પડે કે મારામાં આ દોષો છે. પોતે એકાંતમાં બેસીને