________________
રતનપોળમાં ઉજમ ફોઈની આયંબિલ શાળા ચાલે છે. તે ઉજમ ફોઈ, ભાવનગરના દીકરી, પિતાની શ્રીમંતાઈ, ભાઈઓનો પ્રેમ ઉજમબાઈનું ભાગ્ય ઉજળું હતું.
ઉજમબાઈ ઉંમર લાયક થયા. પિતાજીએ લગ્ન લીધા. એ કાળ પ્રમાણે ગાડા ભરીને કરિયાવર નક્કી થતો. પણ ઉજમબાઈને સંસ્કારથી તેમાં કંઈ રસ નહોતો. ભાઈઓને લાગ્યું કે ઉજમને કંઈ વધુ જોઈતું હશે. એટલે પૂછયું કે હજી કંઈ જોઈએ છે? કેમ કંઈ ઉમંગ નથી થતો ?
ઉજમ કહે ભાઈ ! આ બધું શું કરવાનું? તમે જો મારી ભાવના પ્રમાણે કરવાના હોય તો આ બધું દાદાના દરબારમાં પહોંચાડો અને તેમાંથી ઉજમબાઈની ટૂંક થઈ. જે આજે પણ નવટૂંકમાં શોભી રહી છે. એ અદ્વિતીય દૃષ્ટાંત છે કારણ કે આ બસો ત્રણસો વર્ષમાં આવો દાખલો સાંભળ્યો નથી. સૌની દોડ ભૌતિકતા તરફ છે. જ્યારે આ સંસ્કાર અનોખા છે.
હજી આગળ જાણવા જેવું છે. ઉજમબાઈના લગ્ન થયા. બીજે વર્ષે ભાઈ સાથે શત્રુંજયતીર્થે નવ્વાણું જાત્રા કરવા ગયા. થોડી જાત્રા થઈ હતી ત્યાં અમદાવાદ પતિ ગુજરી ગયા. રિવાજ પ્રમાણે અમદાવાદ પાછું આવવું પડે. નહીં તો ટીકાને પાત્ર થાય. એટલે ભાઈએ સામાન પેક કરવા માંડયો.
ઉજમ કહે ભાઈ ! ભગવાન રક્ષક છે તેને મૂકીને અમદાવાદ જઈને શું કરીશું? સંસારનો રક્ષક ગયો હવે સાચા રક્ષકને છોડીને મારે અમદાવાદ જવું નથી. અને નવ્વાણું જાત્રા પૂરી કરી.
અમદાવાદ આવ્યા, પ્રભુ પાસેથી બળ મેળવ્યું હતું. પરિસ્થિતિનો સ્વીકાર કર્યો. રતનપોળમાં જરૂરી ઘરની સગવડ રાખી બાકીના માલ મિલ્કત સત્કાર્યમાં આપી ઉચ્ચ જીવન જીવી ધન્ય થઈ ગયા. અને ઉજમ ફઈની ટૂંક દ્વારા અમર થઈ ગયા. સ્ત્રી જગતને સાહસ ભર્યા સત્ય જીવનની અનોખી ભેટ આપતા ગયા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૮