________________
મુંજને આવી દશામાં જોઈ તેવી જ ચેષ્ટા કરનાર કોઈ દ્રવ્યવાન પુરુષના પુત્રને, કોઈ જ્ઞાની પુરુષ શિક્ષણ પૂર્વક કહે છે કે –
દ્રવ્યથી અંધમૂઢ થયેલા હે યુવાન ! આપત્તિમાં પડેલાને જોઇ તું હસે છે ? લક્ષ્મી કોઇને ઘેર સ્થિર રહેતી નથી એમાં શું આશ્ચર્ય ? જળયંત્ર ચક્રમાં (કુવામાંથી પાણી કાઢવાની રેંટમાળ)માં ઘડિયા ભરાય છે ને વળી ઠલવાય પણ છે તે શું તું નથી દેખતો ? એ જ પ્રમાણે કોઈ ધનવાન થાય છે તે જ કાળે કરી દરિદ્રી પણ થાય છે. તેમાં ઉપહાસ કરવો એ મૂર્ખતાનું લક્ષણ છે.
ઘેર ઘેર ભિક્ષા મંગાવી રહ્યા પછી રાજાની આજ્ઞા પ્રમાણે તેના પરિજનો મુંજને શુળીએ ચઢાવવાને લઈ ચાલ્યા તે વખતે આત્મા અધોગતિને ન પામે તે માટે મુંજરાજ પોતાના મનને બોધ કરે છે કે -
હે મન ! હવે શોક કરવો રહેવા દે. તું વિચાર કર કે સર્વ દેવતાના ગુરુ શંકર છે. તેની અવસ્થા પણ દૈવ વાંકો થવાથી વિપરીત જોવામાં આવે છે; જેનું મહાસમર્થપણું છતાં પણ તેના અલંકારમાં જુવો તો માણસને કમકમાટી ઉપજાવે એવી) નાગમાળા છે ને તેના પરિજનમાં જુવે તો વિશીર્ણ અંગવાળો ભંગી નામે સેવક છે, ને તેના ઘરની સમૃદ્ધિમાં જુવો તો એક વૃદ્ધ નંદિકેશ્વર નામે પોઠિયો છે; માટે હે મન ! આપણે તો કોણ માત્ર જેને માથે દેવ વાંકુ થઈ રહ્યું છે તેની આવી દુર્દશા થાય તેમાં શી નવાઈ ?
વળી પોતાની જાતને કહી સંભળાવે છે કે -
સમુદ્રરૂપી તો જેની આજુબાજુ ખાઇ છે એવો લંકારૂપી ગઢ તેનો ધણી જે દશ માથાવાળો રાવણ તે પણ દેવ કોપથી એકદમ નષ્ટ થઈ ગયો. તો હે મુંજ ! તું શાનો ખેદ કરે છે? - આ પ્રકારે મુંજને તિરસ્કાર વિતાડ્યા પછી તેને શુળી આગળ લઈ જઈ રાજાના પરિજને કહ્યું હે મુંજ ! દેહસાર્થક કરવાને હવે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે.' તે વખતે મુંજ બોલ્યો કે –
મારા મરવાથી મારી લક્ષ્મી રૂપી પટરાણી તો ગોવિંદને ઘેરથી આવી હતી માટે તે તો પાછી ત્યાં જ જશે, ને બીજી વીરલક્ષ્મી (કીર્તિરૂપી મહારાણી) તે પણ મારા મરણથી પાછી શૂરવીર પુરુષોને ઘેર જશે, પણ સરસ્વતીરૂપી સતી સ્ત્રી તો સહગમન કરી મારી સાથે જ સ્વર્ગમાં પણ આવશે.” હવે મારે બીજા કોનું સ્મરણ કરવું બાકી હોય ?
આખરે ધીરતાથી આવાં દીન પણ શૂરતાથી ભરેલાં વચન બોલનાર મુંજરાજને શૂળીએ ચઢાવ્યો, તે વખતે લોકોમાં અને નગરમાં હાહાકાર વર્તી રહ્યો તેમજ સ્થાવર જંગમમાં એટલી બધી ઉદાસી પેસી ગઈ કે નદીના જળ પણ થંભી ગયા તો પછી પશુપક્ષી તથા મનુષ્યની તો શી વાત કહેવી !
આ પ્રકારનો બનાવ જોઈ જૈનાચાર્યો નીચે પ્રમાણેના અર્થનાં બે કાવ્યો બોલી પોતાના શિષ્યોના અંતરનું સમાધાન કરતા હતા. (૧) આ ઠેકાણે પરિવાર. (૨) ભાંગેલા શરીરનો.
મુંજરાજાનો પ્રબન્ધ