________________
કહ્યું કે હે રાજન ! અંતઃકરણ પૂર્વક તેને મળવામાં આપની પ્રીતિ જોઇ, કહું છું કે હજી તે આ પૃથ્વી ઉપર હયાત છે. એમ કહી પોતાના મનનો સઘળો ખુલાસો કર્યો. તે સાંભળતાં જ રાજાએ અતિ પ્રસન્ન થઈ તેને અરણ્યમાંથી બોલાવી યુવરાજ પદવી આપી ને મારાઓને મોટો શિરપાવ આપી વિદાય કર્યા. હવે એ અરસામાં તૈલંગ દેશનો તૈલિપ નામે રાજા માળવા ઉપર છ વખત હુમલો કરવા આવેલો પણ મુંજરાજે તેને છ એ વખત મારી પાછો હટાવ્યો. તો પણ સાતમી વખત ભારે લશ્કર તૈયાર કરી માળવા ઉપર ચડી આવ્યો. આ વખતે મુંજરાજનો પ્રધાન રૂદ્રાદિત્ય કોઈ પ્રકારે ઉત્પન્ન થયેલા શરીરના રોગથી પીડાતો હતો. તેણે રાજાને તેની સાથે લડાઈ કરવામાં નિષેધ કરી કહ્યું કે, કોઈ પણ યુક્તિ બળે તેને સમજાવીને પાછો વાળો. પણ એ વાત રાજાની નજરમાં ન આવવાથી બોલ્યો “એની સાથે લડાઈ કર્યા વિના સિદ્ધિ જ નથી.” રાજાનો એવો આગ્રહ જોઈ રૂદ્રાદિત્યે તેને કહ્યું, “ભલે તારી મરજી છે તો યુદ્ધમાં લડ પણ ગોદાવરી નદીને પેલે પાર જતો નહિ.' કારણ કે તે શૂરવીર ભૂમિ છે તેથી તેનો જય થશે એમ તેને પ્રતિજ્ઞા આપી લડવાને મોકલ્યો. પણ પ્રથમ મેળવેલી જીતના અહંકારથી, રૂદ્રાદિત્યનું વચન લોપી ગોદાવરીના સામે કાંઠે લશ્કર સહિત પોતાનો પડાવ નાખ્યો. આ વાત રૂદ્રાદિત્યના જાણવામાં આવવાથી તેણે મનમાં વિચાર કર્યો કે હવે જરૂર રાજાની હાર થશે ને આખરે એ અત્યંત દુઃખી થશે. આજ સુધી આપણા રાજ્યની યશ યુક્ત વૃદ્ધિ થતી જોયલી ને હવે વૃદ્ધાવસ્થામાં તેની પડતી દશા જોવી, ને મારા શિષ્ય મુંજને શત્રુના હાથમાં સપડાયેલો દુઃખ પામતો જોવો તેના કરતાં બળી મરવું એ વધારે ઉત્તમ છે એમ ધારી ચિતા પડકાવી રૂદ્રાદિત્ય પોતે જીવતો બળી મર્યો.
હવે તૈલિપે છળ બળ વાપરી મુંજરાજના લશ્કરમાં ભંગાણ પાડી મુંજરાજને પકડી મુંજની દોરીથી બાંધી કેદ કરી સિંહની જેમ કાષ્ટના પીંજરામાં ઘાલી પોતાના નગરમાં લાવી કેટલાક દિવસ સુધી કેદ રાખ્યો પણ પાછળથી નજર કેદ કરી તેની સરભરા કરવામાં પોતાની બહેન મૃણાલવતી રાખી. તે ઘણી રૂપવાન ને બાલ અવસ્થાથી જ વિધવા થવાથી અતિ કામાતુર થઈ જેમ અતિ ભુખી વાઘણ સારા શિકાર પર તલપ મારે તેમ મુંજની કંદર્પ જેવી કાન્તિથી ભરપુર યુવા અવસ્થા જોઈ તેના ઉપર અતિ આસક્ત થઈ હાવભાવ કટાક્ષથી થોડા કાળમાં સ્નેહની વૃદ્ધિ કરી આખરે પોતાની મોહજાળમાં મુંજને ફસાવી તેની અર્ધાગના તુલ્ય થઈ સેવામાં રહી. આથી મુંજ પણ એની સાથે એટલો બધો લપટાઇ ગયો કે પોતાનું સઘળું દુઃખ વીસરી ગયો.
એક વખત મુંજરાજ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ ખુરશી પર બેસી જુવે છે તેવામાં ગુપ્ત રીતે પાછળથી ઉભેલી મૃણાલવતીનું મુખ દર્પણમાં રાજાના જોવામાં આવ્યું. મૃણાલવતીને પણ પોતાની મુખ મુદ્રા દર્પણમાં રાજા કરતાં રૂપમાં ઉતરતી માલુમ પડવાથી તેના ચહેરા ઉપર ગ્લાનિ આવી. તેવો ચહેરો રાજાના જોવામાં આવવાથી તેણે દોહરો કહી સંભળાવ્યો. (પૃ.૫૯ જુ.૯).
અર્થ : મુંજ બોલ્યા હે મૃણાલવતી તારી યુવાવસ્થા ગઈ તેથી ઝુરાઇશ માં. “શર્કરાના સેંકડો કટકા થતા તેની મીઠાશ કાંઈ ઓછી થતી નથી પણ તેના કરતાં સ્ત્રીના શરીરનું તો જેમ જેમ
૬૪
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર