________________
આગળ જણાવેલો શ્રેણિક નામનો રાજા રાજ્ય કરતો હતો. તેનું મરણ થયા પછી, તેનો પુત્ર અશોકચન્દ્ર ગાદી પર આવ્યો. પણ આ નગરીમાં પોતાના પિતાનો કાળ થયો, તેટલા માટે તેનો ત્યાગ કરી, તેણે કોઇ કૌશાંબી નગરની પાસે નવીન ચંપા નામની નગરી વસાવી, તેને પોતાની રાજધાની કરી. તે નગરમાં શય્યભવસૂરીએ પોતાના મનક નામના શિષ્યને મરણ સમીપ જાણી, સાધુ માર્ગનો પ્રતિબોધ આપવા માટે, દશવૈકાલિક નામનું સૂત્ર શ્રી મહાવીરસ્વામીથી અઠાણુમે વર્ષે રચ્યું. તે નગરના રાજાનો જ્યારે નાશ થયો ત્યારે તેનો પુત્ર ઉદાયી નામે રાજા થયો. તેણે પણ પોતાના પિતાની પેઠે જ તે નગરીનો ત્યાગ કરી બીજું નગર વસાવવાને કાજે યોગ્ય જગા ખોળવા સેવકોને આજ્ઞા આપી. તે સેવકો ગંગાને કિનારે કિનારે શુદ્ધ જગ્યા શોધતાં શોધતાં એક પાટલના વૃક્ષ નીચે આવ્યા. તે અપરાતનો સમય હતો પરંતુ પાટલના વૃક્ષની છાયા મધ્યબિન્દુ છોડી આગળ વધેલી ન દીઠી. તેનું કારણ પોતાને ન જડવાથી કોઇક મહામુનિ તે વનમાં તપશ્ચર્યા કરતા હતા તેમને નમ્રતાથી પૂછ્યું. મુનિ કહેવા લાગ્યા કે અગ્નિકાપુત્ર જયસિંહ નામના આચાર્ય પાસે દીક્ષા લઈને અગ્નિકાપુત્રસૂરી જગતમાં પ્રસિદ્ધપણે વિચરતા હતા. તે ફરતા ફરતા એક દિવસ ગંગાતટમાં રહેલા પુષ્પભદ્ર નામના નગરમાં આવ્યા. તે સમયે ત્યાંનો રાજા પુષ્પકેતુ હતો. તેની રાણીનું નામ પુષ્પવતી હતું. તેનાથી થયેલો એક પુષ્પચૂળ નામનો પુત્ર અને પુષ્પચૂળા નામની પુત્રી એ બે સંતાન તે રાજાને હતાં. તે ભાઈ-બહેનને એવી ઘાટી પ્રીતિ બંધાયેલી હતી કે તે એકબીજા વિના રહી શકે નહીં. તેના પિતા પુષ્પકેતુએ વિચાર્યું કે, આ બન્નેનો વિયોગ અન્યોન્ય નહીં સહન કરી શકે માટે મોટી ઉંમરે તે ભાઈ-બહેનનું લગ્ન કર્યું. પણ લોકાપવાદ રાણીથી ન સહન થઈ શક્યો માટે સંસાર છોડી અશિકાપુત્રાચાર્યની પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી. સત્સમાગમથી ઘણું તપ કરી કર્મ ખપાવી (કર્મ નાશ કરી) કેવળી થઈ, તેનો કાળે કરીને દેહ પડી ગયો. દેવ યોગે ગંગામાં પુર આવવાથી તેના માથાની ખોપરી તણાતી તણાતી આ જગ્યામાં આવી. પુર ઉતરી જવાથી તે અત્રે પડી રહી. માટી મિશ્રીત થવાથી તેમાં પાટલનું વૃક્ષ ઉગ્યું. તે પ્રભાવથી પાટલના વૃક્ષની છાયા અદ્યાપિ નમતી નથી. મુનિનું વચન સાંભળી સેવકોએ આ વાર્તા બાળ રાજાને નિવેદન કરી. જેથી તે જગા યોગ્ય ધારી ત્યાં પાટલીપુત્ર નામે નગર વસાવ્યું. જેને હાલ પટણા એ નામથી ઓળખવામાં આવે છે. તે નગરમાં નવમો નંદ જ્યારે ગાદી ઉપર આવ્યો ત્યારે તેના શકટાળ નામના પ્રધાનનો પુત્ર સ્થૂલિભદ્રસૂરી નામે આચાર્ય પદવીને પામેલા હતા. તે જાતે નાગર બ્રાહ્મણ હતા. તે નવમા નંદની પાસે જે પંડિત હતો તેનું નામ વરરૂચિ હતું. તેની વિશેષ વાર્તા સ્યુલિભદ્ર ચરિત્રમાં લખેલી છે. આર્યમહાગિરિ અને આર્યસુહસ્તી એ બન્ને સ્તુલિભદ્રના શિષ્ય હતા અને તે બે સગા ભાઈ થતા હતા. તેમાં મોટા ભાઈ સ્યુલિભદ્રના મરણ પછી જિનકલ્પી માર્ગ વિચ્છિન્ન થઈ ગયો હતો તો પણ એ જ માર્ગની તુલના કરતાં હતાં. નાનાભાઈ આચાર્ય પદવી પામેલાં હતા. જેણે સંપ્રતિ રાજાને બોધ આપ્યો છે.
વિક્રમાદિત્યનો પ્રબન્ધ
૧૭