________________
પાટલીપુત્ર નગરમાં બૌદ્ધ માર્ગીઓનાં મંદિર એટલાં બધાં ઊંચાં છે કે તે ધર્મના મોટા ઋષિઓ તે મંદિરોની અગાસીઓમાં ચઢી જલદી સિદ્ધશિલાને પામી ગયા. જે નગરી બુંદેલખંડમાં આવેલા વૈભારગિરિ પર્વતની તલેટીમાં છે. અસલના વખતમાં જે નગરીનું નામ ક્ષિતિપ્રતિષ્ઠ અને ત્યાર પછી કેટલોક કાળ ચંપાપુરી, પછી ઋષભપુર, કુશાગ્રપુર અથવા કુસુમપુર ને રાજગૃહ. એમ કાળને અનુસરી જુદા જુદા નામથી ઓળખાતી હતી. જે નગરીમાં છત્રીસ હજાર તો ફક્ત વાણિયાનાં જ ઘર હતાં. તેમાં મધ્યમાં આવેલાં અઢાર હજાર ઘરમાં રહેનાર વાણિયાઓ જૈન ધર્મી હતા અને આસપાસ અઢાર હજાર ઘરના રહેનાર વાણિયાઓ બૌધ્ધ માર્ગી હતા. મગધ દેશની રાજધાની એવી તે પ્રખ્યાત નગરીમાં તે સમયે જરાસંઘ રાજા રાજ્ય કરતો હતો; તેના જવા પછી કેટલીક મુદતે શ્રેણિક નામનો રાજા થયો. જેનો પુત્ર કોણિક તથા મંત્રી અભયકુમાર નામે જૈન ગ્રન્થોમાં ઘણા પ્રસિદ્ધપણાને પામેલા જણાય છે. શ્રેણિકને બીજા મેઘ, હલ્લ, વિહલ્લ તથા નંદિષેણ વગેરે પુત્રો હતા. તે રાજાઓના વખતમાં પ્રાચીન કવિઓએ લખેલું પાટલીપુત્ર નગરનું વર્ણન આ પ્રમાણે દર્શાવેલું છે.
જે પાટલીપુત્ર નગરની પ્રજા ક્ષણભંગુર એ શબ્દની પ્રવૃત્તિ ક્ષણિકવાદી બૌદ્ધાદિ સિવાય બીજી જગ્યાએ દેખતી નહી. અર્થાત્ કોઇપણ કાર્યમાં પ્રતિજ્ઞાનું ખંડન થાય તેવી રીતે અપ્રમાણિકપણે તે નગરમાં વસનાર લોકો વર્તતા નહિ. નગરવાસી લોકોમાં જ્ઞાન સંબંધી કોઇ પ્રકારની ભ્રાન્તિ ન હતી. ફક્ત ભ્રાન્તિ શબ્દ શ્રીઅરિહંત મહારાજની પ્રદક્ષિણા સમયે જ પ્રવર્તતો હતો. વૈરાગ્ય યુક્ત ધર્મગુરુઓ નૈસ્વ (કંચન કામનીથી રહિત) હતા પરન્તુ ગૃહસ્થાશ્રમીઓ તે નગરમાં કોઇ પણ રિદ્રિ ન હતા. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, એ ત્રણ મુમુક્ષુઓની ધર્મ ક્રિયામાં ગુપ્તિ શબ્દ વપરાતો પરંતુ ગુન્હો ક૨વાથી કોઇ પુરુષને બંદિખાને નાખ્યો તેવે સમયે ગુપ્તિ શબ્દ વપરાયો હોય એવું તે નગરમાં બનતું ન હતું. એવી સંપીલી પ્રજા હતી કે, કોઇ પણ ગુન્હાના કારણથી રાજ્યાધિકારીઓ, અમુક મનુષ્યનો હાથ પકડી, રાજ્યદ્વારમાં ખેંચી જાય તેવું બનતું ન હતું પણ ફક્ત વિવાહ સમયે વર કન્યાનો હાથ પકડવામાં જ કર ગૃહ શબ્દની પ્રવૃત્તિ લાગુ પડતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિ, વર્ણની દ્વિજ એવી સંજ્ઞા છે, એ ત્રણે વર્ણનો કોઇ પુરુષ પોતાના વર્ણાશ્રમના ધર્મથી પડ્યો, એમ તે નગરમાં કદી બન્યું નથી પરંતુ વૃદ્ધાવસ્થા થવાથી દ્વિજ એટલે દાંત પડી જતા, તે જગ્યાએ દ્વિજપાત્ શબ્દની પ્રવૃત્તિ એ નગરમાં ચાલતી હતી, જ્યાં કોઇ ઘર વંશ ન થવાથી વસ્તી વિના ખાલી પડેલું છે એમ જણાતું નહીં. ફક્ત શૂન્યગૃહ શબ્દ સોગટાં રમનારાઓની ઢાળેલી બાજીમાં પ્યાદા ગણીને સોગટું મુકવાનાં ઘરોમાં જ પ્રવર્તિને રહેલો જણાતો હતો. વૃક્ષો તરેહવાર પશુ, પક્ષીઓએ આક્રમણ થયેલા જણાતાં હતાં. તેથી સ્વાપદ શબ્દ ત્યાં પ્રવર્તતો પણ નગર નિવાસીઓને પોતાની કોઇ પ્રકારની આપદા છે તેવા સંદર્ભમાં સ્વાપદ શબ્દની ખપત થતી ન હતી. કમળના સમુહો સરોગ એટલે સરોવરમાં રહેલા જણાતા હતા પણ નગર નિવાસી કોઇ લોક સોગ (રોગીષ્ઠ) ન હતા. સદંડ (દંડેન સહ વર્તમાન) ફક્ત દેવતાનાં મંદિર જણાતાં હતાં પરન્તુ કોઇ પણ મનુષ્યનો આ નગરમાં દંડ થયો, તેવું કોઇ કહેતું નહીં. વળી બીજા કવિએ કહ્યું છે
વિક્રમાદિત્યનો પ્રબન્ધ
૧૫