________________
પરન્તુ મારું તે સઘળું નિષ્ફળ ગયું અને હું મિથ્યા દંડાયો. છેવટે હવે મેં આપના શરણનો નિશ્ચય કર્યો છે માટે આપની મરજી મુજબ કરો. શેઠની આ પ્રમાણેની વાણી રૂડે પ્રકારે મનમાં ધારણ કરી, વિક્રમ રાજા બોલ્યો તે મહેલ બનાવતાં તમને શો ખર્ચ થયો છે ? શેઠ કહે ત્રણ લાખ રૂપિયા. વિક્રમે ત્રણ લાખ રૂપિયા શેઠને આપી ઘર વેચાણથી લઇ, સંધ્યાકાળ પછીનું સઘળું કૃત્ય કરીને તે ઘરમાં આવી સુતો. રોજના વખત પ્રમાણે આકસ્મિક વાણી થઇ ‘હું પડું’ એવી વાણી સાંભળી, વિક્રમ અનુપમ સાહસપણાથી બોલ્યો કે, પડતો હોય તો જલદી પડ, એમ કહેતાં પોતાની નજીક એક સોનાના પડેલા પુરુષને પામ્યો. અન્ય ગ્રન્થોમાં સુવર્ણ પુરુષની સિદ્ધિ અન્ય પ્રકારે થયેલી સંભળાય છે.
क्रयविक्रयदोषापनयनसिद्धि
હવે રાજાના ખરીદ-વેચાણ સંબંધી સાહસનું વર્ણન કરીએ છીએ. વિક્રમના નગરમાં વ્યાપાર ધમધોકાર ચાલતો હતો. પરદેશનો ગમે તેવો આવેલો માલ ખપી જતો અને પોતાનો માલ બીજા દેશમાં જતો. એવી રીતનો ક્રય વિક્રય જોઇ એક દરિદ્ર વિદ્વાને પોતાનું દારિત્ર્ય દૂર થવાના હેતુથી પાસે જે કાંઇ પદાર્થો હતા તે વેચી તેની અમુક રકમ કરી તેમાંથી લોઢાનું પૂતળું બનાવ્યું અને રાજદ્વાર આગળ જઇ પ્રતિહારને કહેવા લાગ્યો કે મારે રાજાને મળવું છે. પ્રતિહારે વિક્રમ રાજાને જણાવી તેની આજ્ઞાથી સદરહુ પુરુષને અંદર આવવાની રજા આપી. વિક્રમની પાસે આવી તે કહેવા લાગ્યો કે આપના શહેરના ચોરાસી ચૌટામાં આ દરિદ્ર પુરુષને લઇ હું વેચવા માટે ફર્યો પણ કોઇએ તેને ગ્રહણ કર્યો નહીં ને ઉલટો મારો તિરસ્કાર કરી કાઢી મૂક્યો અને કહેવા લાગ્યા કે પૈસાને સાટે દરિદ્રતા આપવા આવનાર એવો તું કોણ છે. આવું નગર સંબંધી કલંક તેણે વિક્રમના મોં આગળ જઇને નિવેદન કર્યું અને કહ્યું કે, હે સ્વામિન્ ! તમે જેને માથે ધણી છો, એવી પ્રસિદ્ધ આ ઉજ્જિયની નગરીમાં સર્વ વસ્તુઓનો ક્રય વિક્રય થાય છે તે નગરનું કલંક મેં તમને જણાવ્યું. હવે મને શી આજ્ઞા છે, હું આ નગરમાંથી જાઉં કે રહું ? તે તમને પુછુ છું. તે જ વખતે રાજાએ પોતાની નગરીને માથે કલંક લાગશે એમ વિચારીને તેને એક લાખ મહોરો આપી અને તે લોઢાનો રિદ્રી પુત્ર પોતાના ભંડારમાં મુક્યો. તે જ રાત્રીએ પહેલા પ્રહરમાં રાજ્યાધિષ્ઠાત્રી દેવતા આવી અને સુતેલા વિક્રમને જગાડી કહ્યું કે તેં દરિદ્રી લોહપુત્ર ખરીદ્યો, માટે અમે અહીં રહીએ તે યોગ્ય નહીં. અવશ્ય તને પુછીને જઇએ છીએ. એટલામાં બીજા પ્રહરે હય અને હાથીનાં દેવતા આવ્યાં. એ જ પ્રમાણે પુછવા લાગ્યાં અને ત્રીજા પ્રહરે સાક્ષાત્ લક્ષ્મીએ આવીને વિક્રમને તે જ પ્રકારે પુછ્યું. વિક્રમે જરા પણ આનાકાની ન કરતાં સાહસ પૂર્વક તે ત્રણેને ૨જા આપી, તેથી તે ગયા. ચોથે પહોરે એક ઉદાર દિવ્ય અને તેજોમય પુરુષ પ્રગટ થઇ વિક્રમની પ્રત્યે બોલ્યો. હું સત્વ નામનો પુરુષ જન્મથી તારો આશ્રય કરીને રહેલો છું. હું જવા માટે આજે તારી રજા માગું છું. એવાં તેનાં વચન સાંભળી તત્કાળ હાથ વડે તરવાર ખેંચી વિક્રમ પોતાનો આત્મઘાત કરવાનો
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
૧૦