________________
પોતાની કાલિકા નામની દાસી કે જે રૂપે અને રંગે કાલિકા જેવી જ હતી તેને મધ્યરાત્રિએ તેની પાસે મોકલી. તે તપશ્ચર્યા કરતો એવો જે ગોવાળ તેની પ્રત્યે બોલી, ઉઠ હું તારા પર પ્રસન્ન છું. આ સમયે અસલ કાલિકાએ પોતાના મંદિરમાં જ આ પ્રકારે તમાશો થયેલો જોઇને વિચાર્યું કે, આ તો મારે માથે એક મોટો ઉપદ્રવ થયો, એમ વિક્રમ રાજાથી ડરીને તેને પ્રત્યક્ષ દર્શન આપી, તેને સર્વ વિદ્યા સંપન્ન કર્યો. આ વૃત્તાંત રાજકન્યાના જાણવામાં આવ્યો. જેથી તે ઘણી પ્રસન્ન થઈ. પોતાના પતિ સન્મુખ આવી મારો પતિ વિદ્વાન થયો કે નહીં, તેની પરીક્ષા માટે નીચે પ્રમાણેનો સમસ્યા શ્લોક બોલી :
अनिलस्यागमो नास्ति, द्विपदं नैव दृश्यते ॥ वारिमध्ये स्थितं पद्मं, कम्पते केन हेतुना ॥१॥
અર્થ : વાયુ આવતો નથી, મનુષ્ય દેખાતો નથી ને જળના મધ્યમાં રહેલું કમળ શા કારણથી કંપે છે ?
પશુપાળ નીચે પ્રમાણે શ્લોકમાં જવાબ આપ્યો. पावकोच्छिष्टवर्णाभः शर्वरीकृतबन्धनः ॥ मोक्षं न लभते कान्ते ! कम्पते तेन हेतुना ॥२॥
અર્થ : શંકરના નેત્રના અગ્નિથી જેનો વર્ણ ઉચ્છિષ્ટ થયો છે ને રાત્રિનું જેને બંધન છે, એવો કામદેવ હજુ મુક્ત થયો નથી માટે હે કાન્ત તે નેત્રકમળ કંપે છે. (આ બે શ્લોક બીજી પ્રતોમાં છે તે સંબંધ મેળવવા અત્રે લખ્યા છે.)
એ પ્રમાણે વાણીવિલાસ કર્યા પછી તે સ્ત્રી પુરુષ ઘણા હર્ષ વડે દિવસ નિર્ગમન કરવા લાગ્યાં. કાલિકાના પ્રસાદથી તેનું નામ કાળીદાસ એ પ્રકારનું રાખ્યું. જે કાળીદાસ નામના મહાન કવિ સંસ્કૃતમાં ગણાય છે તે જ આ થયા. તેણે કુમારસંભવ, મેઘદૂત અને રઘુવંશ એ ત્રણ કાવ્ય અને છ પ્રબંધ રચ્યા. જે પ્રબંધો અદ્યાપિ હાથ લાગ્યા નથી.
॥ अथ सुवर्णपुरूषाप्तिः ॥ | ઉજ્જયિની નગરમાં દાન્ત નામનો એક નગરશેઠ હતો. એક દિવસ તે શેઠ હાથમાં કેટલીક ભેટો લઈ સભા ભરીને બેઠેલા વિક્રમની સમીપ આવી, વિક્રમના મોં આગળ મુકી, નમસ્કાર કરી હાથ જોડી કહેવા લાગ્યો. સ્વામીનું મેં શુભ મુહૂર્તમાં શિલ્પ વિદ્યામાં કુશળ એવા કારીગરોને બોલાવી એક સુંદર ધવલગૃહ બંધાવ્યું છે, તે નવા ગૃહમાં મોટા ઉચ્છવથી મેં પ્રવેશ કર્યો છે. પણ જ્યારે હું તે ઘરમાં રાત્રે પલંગમાં સૂઈ જઉં છું, ત્યારે મધ્ય સમયે અર્ધી નિદ્રા અને અર્ધ જાગ્રત અવસ્થામાં હું પડું' એવી આકસ્મિક વાણી થાય છે. પ્રથમ દિવસે તે વાણીથી ભયભીત થયેલાં મેં કહ્યું કે ન પડીશ. એમ કહી બહાર નીકળી તે ધવલગૃહ બાંધવા સંબંધી કાર્યના કરનાર સુથાર, કડિયા અને વિદ્વાન જોશીઓ વગેરેને બોલાવી મેં તેમનો મોટા સત્કાર કરી, તેમના કહેવા પ્રમાણે કર્યું.
વિક્રમાદિત્યનો પ્રબન્ધ